જૂન 2021ના અંતમાં હજુ 1.9 મિલિયન લોકો ફર્લો પર હતા. આ સંખ્યા રોગચાળો શરૂ થયા પછીની સૌથી નીચી છે અને મે માસ કરતા અડધો મિલિયન ઓછી છે. છેલ્લા ત્રણ મહિનામાં, યુવાન લોકો અન્ય તમામ ઉંમરના લોકો કરતા બમણી સંખ્યામાં ઝડપથી ફર્લોમાંથી બહાર નીકળ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં રોગચાળો ટોચ પર હતો ત્યારે લગભગ નવ મિલિયન લોકો ફર્લો પર હતા.

ટ્રેઝરી ખાતાએ જણાવ્યું હતું કે ‘’આ સમયમાં લગભગ 25થી નીચેની વયના લગભગ 600,000 યુવાનો ફર્લો યોજનામાંથી બહાર આવ્યા હતા. તે જ સમયે, હોસ્પિટાલીટી અને રીટેઇલ ક્ષેત્રમાંથી દસ લાખથી વધુ લોકોએ આ યોજના છોડી દીધી છે. આ રવિવાર, તા 1થી સરકાર કંપનીઓને પગારનો વધુ મોટો ફાળો આપવા કહેનાર છે ત્યારે ફર્લો યોજનામાંથી વધુ લોકો બહાર નીકળશે.

આ ફર્લો યોજનાને કારણે બેરોજગારી ઘટાડવામાં ધણી મદદ થઇ હતી પરંતુ હવે છેલ્લે 30 સપ્ટેમ્બરના રોજ તે સમાપ્ત થનાર છે. જેને પગલે કેટલીક નોકરીઓ જતી રહેશે તેમ મનાય છે. આ યોજના, બિઝનેસ જૂથો અને યુનિયનના નેતાઓ સાથે લાંબી વાટાઘાટો પછી તૈયાર કરવામાં આવી હતી અને તેનો કરદાતાઓ પર લગભગ £50 બિલિયનનો બોજો પડ્યો છે. આ ખર્ચ કાઢવા સરકાર વેરો વધારે તેવો ભય છે.

ફર્લો તરીકે ઓળખાતી કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ હેઠળ સરકારે કર્મચારીઓને તેમના દર મહિને થતા પગારના 80 ટકા અને મહત્તમ £2,500 જેટલી રકમ ચૂકવી હતી.