કોરોનાવાયરસ રોગચાળાના કારણે લોકોની નોકરી, ધંધા અને આજીવિકા પર આસર ન થાય તે માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ (ફર્લો) અસરકારક નીવડી છે. આ યોજનાને કારણે નોકરીઓ બચાવવામાં અને મે મહિનામાં ફર્લો પર રહેલા અડધાથી વધુ કર્મચારીઓને કામ પર પાછા લાવવામાં મદદ મળી છે એમ ઑફિસ ફોર નેશનલ સ્ટેસ્ટીક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડાઓમાં જણાયું છે.

મે મહિનામાં આ યોજના તેની ટોચ પર હતી ત્યારે યુકેમાં 30% જેટલા કર્મચારીઓ ફર્લો હેઠળ હતા. પરંતુ ઑગસ્ટના મધ્ય સુધીમાં કર્મચારીઓનો આ આંકડો અડધાથી વધુ ઘટીને 11% થયો છે અને આશા છે કે તે ત્યારબાદ વધુ ઘટશે.

વિશ્વના સૌથી ઉદાર અને વ્યાપક પેકેજોમાંના એક ફર્લો યોજનાની માહિતી ચાન્સેલર ઋષી સુનકે પોટરી ફર્મ એમ્મા બ્રિજવોટરની મુલાકાત લેતા બહાર આવી છે. તાજેતરમાં આ પેઢીના તમામ ફર્લો કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે.

સુનકે કહ્યું હતું કે “રોજગારના આંકડા બતાવે છે કે, ફર્લો યોજનાએ પોતાનું કામ કર્યું છે જેના માટે તે રચાઇ હતી, નોકરી બચાવો અને લોકોને નોકરીમાં પાછા ફરવા માટે મદદ કરો. અમે રોગચાળાની શરૂઆતમાં જ સ્પષ્ટ હતા કે અમે દરેક નોકરી બચાવી શકીશું નહીં, પરંતુ ફર્લો યોજનાએ લાખો કામદારોને ટેકો આપ્યો છે અને બિઝનેસીસને યોગ્ય મદદ કરી શક્યા છીએ.”

ઉનાળા દરમિયાન, ઓએનએસ ડેટા મુજબ દર 2 અઠવાડિયે 1% કરતા ઓછા કર્મચારીઓને રીડન્ડન્ટ કરવામાં આવ્યા હતા. આ યોજના નવેમ્બરથી જોબ રીટેન્શન બોનસના રૂપમાં શરૂ થશે દરેક કર્મચારીઓને પાછા લાવનાર બિઝનેસીસને તેમના પગારના 20 ટકા કે મહત્તમ £1,000 આપવામાં આવશે. પરંતુ ઓછી આવક ધરાવતા લોકોને જાન્યુઆરી સુધી 3 મહિનાની અવધિમાં વેતન ખર્ચના 40% વેતન ચૂકવવામાં આવશે.

સરકાર £2 બિલીયનની કિકસ્ટાર્ટ યોજના પણ લાવી રહી છે જે દ્વારા યુવાનો માટે નવા રોલ ઉભા કરાશે અને તાલીમ અને એપ્રેન્ટિસશીપ માટે પ્રોત્સાહન આપવામાં આવશે.