ચીનના સૈનિકોએ ગલવાન વેલીમાં પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હોવાના અહેવાલ આવ્યાના ત્રણ દિવસ બાદ ભારતના સૈનિકોએ પૂર્વ લડાખની આ ગલવાન વેલીમાં વિશાળ ત્રિરંગો ફરકાવ્યો હોવાના ફોટાગ્રાફ બહાર આવ્યા હતા. (ANI Photo)

ચીનના સૈનિકોએ ગલવાન વેલીમાં પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હોવાના અહેવાલ આવ્યાના ત્રણ દિવસ બાદ ભારતના સૈનિકોએ પૂર્વ લડાખની આ ગલવાન વેલીમાં વિશાળ ત્રિરંગો ફરકાવ્યો હોવાના ફોટાગ્રાફ બહાર આવ્યા હતા. ભારતના સુરક્ષાતંત્રના સૂત્રોએ આ ફોટો જારી કર્યા હતા અને તેમાં ભારતના સૈનિકોએ નવા વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. આ ફોટોથી ભારતે ‘જેવા સાથે તેવા’ની નીતિનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

ચીનની સરહદ પરના અરુણાચલના સાંસદ કિરણ રિજિજુએ પણ નવા વર્ષ 2022ના પ્રસંગે ગલવાન વેલીમાં ભારતના બહાદુર સૈનિકોના કેપ્શન હેઠળ ત્રણ ફોટો પણ ટ્વીટર પર પોસ્ટ કર્યા હતા.

પહેલી જાન્યુઆરીએ ચીનના સરકારી મીડિયાએ એક વીડિયો જારી કર્યો હતો. તેમાં દર્શાવ્યું છે કે ચીનના સૈનિકો ગલવાન વેલીમાંથી ચીનના લોકોને નવા વર્ષની શુભકામના આપી રહ્યાં છે અને એક ઇંચ જમીન પણ ન જવા દેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. ભારતના સુરક્ષાતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે ચીનના સૈનિકો જે જગ્યાએ નવા વર્ષની ઉજવણી કરી રહ્યાં છે તે ચીનની હદમાં દૂર આવેલો વિસ્તાર છે. આ જગ્યા 15 જૂન 2020ની હિંસક અથડામણ બાદ આ વિસ્તારમાં ઊભા કરવામાં આવેલા બફર ઝોનથી પણ દૂર છે.

ચીની મીડિયાના આ વીડિયોથી ભારતમાં પ્રતિક્રિયા આવી હતી. આ મુદ્દે વિરોધ પક્ષોએ મોદી સરકાર પર હુમલા કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ લડાખમાં ગલવાન વિસ્તારમાં ચીનના અતિક્રમણ મુદ્દે મૌન તોડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો હતો. ગલવાન વેલીમાં હિંસક અથડામણ બાદ ભારત અને ચીનના સંબંધો તંગ છે.
ચીનના દુષ્પ્રચાર સામે પ્રચારજંગના ભાગરુપે ભારતના સુરક્ષાતંત્રોના સૂત્રોએ જારી કરેલા એક ફોટોમાં ભારતના 30 સૈનિકો હાથમાં સિગ સુએર-716 રાઇફલ લઇને ધ્વજ સાથે ઊભેલા દેખાય છે. બીજા ફોટોમાં ચારના ગ્રૂપમાં સૈનિકો ધ્વજ સાથે ઊભેલા દેખાય છે અને એક સ્થંભ પર ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. આ ફોટોગ્રાફ હંગામી ઓબ્ઝર્વેશન પોસ્ટની નજીકનો છે અને તેમાં ભારતીય આર્મીના ડોગરા રેજિમેન્ટનો ધ્વજ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફોટોગ્રાફ ગલવાન વેલીના છે અને તે પહેલી જાન્યુઆરીના છે.