પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સાથે વેપાર મંત્રણાઓમાં સાનુકુળતા ઉભી કરવા યુકે ભારતીયો માટે વીસા નિયમો હળવા બનાવવાની અને મોટી સંખ્યામાં ભારતીયો થોડા વર્ષો માટે યુકેમાં જોબ – વ્યવસાય માટે આવી શકે તેમજ વસવાટ કરી શકે તેવી દરખાસ્તો રજૂ કરવાની યોજના ઉપર યુકે સરકાર કામ કરી રહી હોવાનું જાણવા મળે છે. યુકેના આંતરરાષ્ટ્રીય વેપાર સેક્રેટરી એન-મેરી ટ્રેવેલયાન આ મહિનામાં જ ભારતના પ્રવાસે જવાના છે અને તેમની ભારત યાત્રાનો હેતુ ભારત-યુકે વચ્ચે વેપાર મંત્રણાઓનો આરંભ કરવાનો છે.

ભારતની એક મુખ્ય માંગણી એવી રહી છે કે, ભારતીય નાગરિકો માટે યુકે દ્વારા વીસા નિયમો હળવા બનાવવામાં આવે અને એન-મેરી આવી દરખાસ્ત સાથે ભારત પાસેથી સાનુકુળ પ્રતિભાવ પ્રાપ્ત કરવાનો ઈરાદો ધરાવતા હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. વિદેશ પ્રધાન લિઝ ટ્રુસ પણ આ મુદ્દે એન-મેરીને સમર્થન આપતા હોવાનું સમજાય છે. લિઝ ટ્રુસનો એજન્ડા ચીનના પ્રભાવનો મુકાબલો કરવાનો છે અને એ લક્ષ્યાંક માટે તેઓ ભારત સાથે વધુ નિકટના સંબંધો કેળવવાની નેમ ધરાવે છે. જો કે, મળતા સંકેતો મુજબ ગૃહ પ્રધાન અને ભારતીય બ્રિટિશર પ્રીતિ પટેલ આવી કોઈ દરખાસ્તના વિરોધી હોવાનું મનાય છે.

યુકેની યોજનાનો એક સંભવિત વિકલ્પ ઓસ્ટ્રેલિયા જેવી ઓફરનો છે, જે મુજબ યુવાન ભારતીય નાગરિકોને ત્રણ વર્ષ સુધીના ગાળા માટે યુકે આવી કામ કરવાની તક આપવામાં આવી શકે છે. બીજી દરખાસ્ત ભારતીય વિદ્યાર્થીઓ માટે વીસા ફી ઓછી કરવાનો અને તેઓ અહીં પોતાનો ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુરો કરે તે પછી થોડા સમય માટે તેમને અહીં રોકાવા દેવા અને કામ કરવા દેવાનો છે.

કામકાજ માટે તેમજ પ્રવાસન માટે યુકે આવતા મુલાકાતીઓની વીસા ફીમાં પણ ઘટાડો કરાય તેવી શક્યતા છે. હાલમાં, યુકેમાં વર્ક વીસા મેળવવા ભારતીય નાગરિકોને £1,400 જેટલી રકમ ચૂકવવી પડે છે, તો વિદ્યાર્થીઓએ £348 તથા ટુરિસ્ટ્સે £95 ચૂકવવા પડે છે. ભારતના પ્રવાસે જતા યુકેના લોકોને £110 ચૂકવવા પડે છે, તો એક વર્ષ માટેના બિઝનેસ વીસા માટે તેઓએ £165 ચૂકવવાના થાય છે.

ભારત હાલમાં અમેરિકા કે યુરોપ સાથે પણ દ્વિપક્ષી વેપાર સમજુતી ધરાવતું નહીં હોવાથી યુકેના મિનિસ્ટર્સને લાગે છે કે ભારત સાથે મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) થાય તો એનાથી યુકેને બીજા દેશો સાથે કરારની વાટાઘાટોમાં લાભ થઈ શકે છે. લગભગ £2 ટ્રીલિયનના જીડીપી સાથે ભારત 2050 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જવાની ધારણા છે. અને એક સિનિયર સરકારી સૂત્રના જણાવ્યા મુજબ મિનિસ્ટર્સ એ વાત સ્વિકારે છે કે, ભારત સાથે મુક્ત વેપાર કરાર કરવો હશે તો તેની કિમતરૂપે વીસા નિયમોમાં ઉદાર ઓફર કરવી જ પડશે.