(Photo by Carl Court/Getty Images)

ભારતીય સ્વતંત્ર્ય ચળવળના નેતા અને અહિંસા, કરુણા તથા ફિલસૂફીના પ્રણેતા મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે છેલ્લા છ વર્ષથી લંડનમાં યોજાતી પીસ વોક આ વખતે કોવિડના સરકારી સલામતી દિશાનિર્દેશો હેઠળ આ વર્ષે વર્ચ્યુઅલ યોજાઇ હતી. પીસ વૉકમાં હેરો ઇસ્ટના એમપી બોબ બ્લેકમેન અને બ્રેન્ટ નોર્થના એમપી બેરી ગાર્ડીનર, ગુજરાતના પૂર્વ કેબીનેટ રાજ્ય મંત્રી ડૉ. વલ્લાભાઇ કથીરિયા, યુકે અને યુરોપ માટે ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપીના કન્વીનર વિજય મહેતાએ ભાગ લઇ ગાંધી વંદના કરી પ્રેરક પ્રવચનો આપ્યા હતા.

પાછલા વર્ષોમાં ગીતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શરદ પરીખ અને નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવિણભાઇ અમીન દ્વારા ભારતીય હાઈ કમિશનરની ભાગીદારીમાં અને વિવિધ સંસ્થઓના સથવારે ટેવિસ્ટોક સ્કેવાર ખાતે આવેલી ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પાર્લામેન્ટ સ્કવેર સુધી ચાલતા આવીને ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી વંદના કરવામાં આવતી હતી. ઘણાં સામાજીક સંગઠનો તેમાં જોડાતા હતા.

આ પ્રસંગને ધ્યાનમાં રાખીને બાપુ પરની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રીમિયર ન્યુઝ-વ્યૂના એડિટર ડૉ. ધિમંત પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે મહેન્દ્રસિંહ સી જાડેજા (દાદા), અનિતા રૂપારેલીયા અને જીએમ પટેલે ગુજરાતીઝ ઇન યુકે સંસ્થાને પ્રસ્તુત કરી હતી.

મોડરેટર તરીકે દિલ્હીના ગતિશીલ ન્યૂઝ પ્રેઝન્ટર અજિતા જૈને સેવા આપી હતી તો  બ્રાઇટનના ધીરૂભાઇ ગઢવી દ્વારા પ્રાર્થના અને ભજનો રજૂ થયા હતા.