ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ગાંધીનગર ખાતેના ભાજપના કાર્યાલયમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ભાજપના વડા સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિજયની ઉજવણી થઈ હતી. (PTI Photo)

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મંગળવારે ભાજપનો ભવ્ય વિજય થયો હતો. રાજ્યના પાટનગરની પાલિકાની 44 બેઠકમાંથી ભાજપને 41 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસનો રકાસનો થયો હતો અને આમ આદમી પાર્ટીનું સુરસુરિયું થયું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટી એક બેઠક મળી હતી. ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા તે પછી આ પ્રથમ ચૂંટણી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. આ ચૂંટણી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ માટે એક પરીક્ષા સમાન માનવામાં આવતી હતી અને તેઓ તેમાં પાસ થયા છે. ચૂંટણીના પરિણામથી કોંગ્રેસ-આપના કાર્યલયમાં સન્નાટો છવાઈ ગયો છે. ભાજપના કમલમ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની 3 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીમાં 56 ટકા મતદાન થયું હતું.

ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી અને તેમના તમામ પ્રધાનોની એક્ઝિટ બાદ નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવ્યા પછી આ પ્રથમ મહત્ત્વની ચૂંટણી હતી.