પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મોંઘવારીની આગ હવે ઘરના રસોડા સુધી પહોંચી છે. કોમર્શિયલ એલપીજી બાદ હવે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં રૂ.50નો વધારો ઝીંકવામાં આવ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં ગેસ સિલિન્ડરના ભાવ વધી રૂ.1,000ના આંકને વટાવી ગયા છે. માત્ર છ સપ્તાહના ટૂંકા ગાળામાં રાંધણ ગેસના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આશરે એક વર્ષમાં એલજીપી સિલિન્ડરના ભાવમાં રૂ.190નો તોતિંગ વધારો થયો છે.

સરકાર માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ભાવ અંગેના નોટિફેશનમાં જણાવ્યા અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરના ભાવ વધીને હવે રૂ.999.50 થયા છે, જે અગાઉ રૂ.949.50 હતા. માત્ર છ સપ્તાહના ટૂંકા ગાળામાં એલપીજીના ભાવમાં આ બીજો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ 22 માર્ચે પણ ભાવમાં સિલિન્ડર દીઠ રૂ.50નો વધારો કરવામાં આવ્યો હતો.

એપ્રિલ 2021થી એટલે કે આશરે એક વર્ષમાં એલજીપી સિલિન્ડરના ભાવમાં રૂ.190નો તોતિંગ વધારો થયો છે.
જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે એક મહિનાથી કોઇ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉ 22 માર્ચ પછીના માત્ર 16 દિવસના ટૂંકા ગાળામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરદીઠ રૂ.10નો વધારો કરવામાં આવ્યો હતો.

હાલમાં લોકોને વર્ષમાં 12 સિલિન્ડર માટે સરકાર સબસિડી આપે છે. આ 12 સિલિન્ડરનો ક્વોટા વપરાઈ ગયા બાદ ગેસ સિલિન્ડરની ખરીદી કરવામાં આવે તો તેમાં સરકાર સબસિડી આપતી નથી, તેથી તેને સબસિડી વગરના ગણવામાં આવે છે. સરકારે હાલમાં આવા નોન સબસિડાઇઝ્ડ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જોકે સરકાર મોટાભાગના શહેરોમાં એલજીપીમાં હવે સબસિડી આપતી નથી અને લોકોએ બજારભાવ જેટલો ભાવ ગેસના સિલિન્ડર માટે ચુકવવો પડે છે. બહુચર્ચિત ઉજ્જવલા સ્કીમ હેઠળ ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે તેવા ગરીબ મહિલાઓએ પણ બજારભાવ જેટલો ભાવ ચુકવવો પડે છે.

મુંબઈમાં સબસિડી વગરના એલપીજીનો ભાવ સિલિન્ડર દીઠ રૂ.999.50 થયો છે, જ્યારે ચેન્નાઇમાં ગેસ સિલિન્ડરનો ભાવ વધીને રૂ.1,015.50 અને કોલકતામાં રૂ.1,026 થયો છે. વેટ જેવા સ્થાનિક ટેક્સને કારણે વિવિધ રાજ્યોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં તફાવત રહે છે. ઊંચો ટેક્સ વસૂતતા રાજ્યોમાં ભાવ ઊંચો હોય છે.

આ મહિનાના પ્રારંભમાં કોમર્શિયલ એલજીપી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. કોમર્શિયલ એલજીપી સિલિન્ડરનો ઉપયોગ હોટેલ અને રેસ્ટોરાં જેવા વ્યવસાયિકો કરે છે. પહેલી મેએ 19 કિગ્રાના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ.102.50 વધારીને રૂ.2,355.50 કરવામાં આવ્યો હતો.

રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે આ વર્ષથી ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ચમાં ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ વધીન બેરલ દીઠ 140 ડોલરના 13 વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યા હતા. જોકે આ પછીથી ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં ઘટાડો થયો છે. શનિવારે બ્રેન્ટ ક્રૂડ (ઇન્ડિયન બાસ્કેટ)ના ભાવ બેરલ દીઠ 109.77 ડોલરે ટ્રેડ થતાં હતા. ભારતમાં ભાવવધારાની વધુ અસર થતી હોવાનું બીજું એક કારણ ડોલર સામે રૂપિયામાં ધોવાણ પણ છે. ડોલર સામે રૂપિયો ગબડીને 77ની નજીક પહોચ્યો છે. ભારત ક્રૂડ ઓઇલની તેની કુલ જરૂરિયાતમાંથી આશરે 85 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. તેનાથી ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં વધારાની ભારતને સીધી અસર થાય છે.