ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2021ના રોજ નવી દિલ્હીમાં 75માં સ્વતંત્રતા દિનની ઉજવણી દરમિયાન ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો. (PTI Photo/Shahbaz Khan)

ભારતના 75મા સ્વતંત્રતા દિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો અને દેશના લોકોને આઝાદીની શુભકામના આપી હતી. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા સેનાનીઓને નમન સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. મોદીએ પોતાના 90 મિનિટના સંબોધનમાં બે મોટી યોજનાની જાહેરાત કરી હતી. તેમાં 100 લાખ કરોડ રૂપિયાની ગતિ શક્તિ યોજના અને દીકરીઓ માટે દેશની તમામ સૈનિક શાળા ખોલવાની જાહેરાત સામેલ છે. ભારતની 75 વર્ષથી 100 વર્ષ સુધીની યાત્રા કેવી રહેશે તેની પણ મોદીએ વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે દેશવાસીઓને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ આ 75મા વર્ષથી 100મા વર્ષ સુધી દેશની યાત્રા કેવી રહેશે તેની માહિતી આપી હતી. વડાપ્રધાને જણાવ્યું કે, 100 લાખ કરોડ રૂપિયાની ગતિ શક્તિ યોજના યુવાનો માટે રોજગારીના અવસર લઈને આવશે. તે દેશની પાયાની સંરચનાનો નવો આધાર બનશે. તેનાથી મુસાફરી માટેના સમયમાં ઘટાડો થશે.

વડાપ્રધાને 100મા વર્ષ સુધી દેશની યાત્રા કેવી રહેશે તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 100 ટકા ગામડાઓમાં રસ્તાઓ, 100 ટકા ભારતીયોના બેન્ક એકાઉન્ટ, 100 ટકા લોકોના આયુષ્માન કાર્ડ બનશે. દરેક હકદાર વ્યક્તિને ગેસ કનેક્શન, સરકારની વીમા યોજના, પેન્શન યોજના, આવાસ યોજનાનો ફાયદો મળશે.

ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારતની મોટી સફળતાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ આયોજનમાં ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારી યુવા પેઢી એથલેટ્સ અને આપણા ખેલાડીઓ હાજર છે. હું દેશવાસીઓને અને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે રહેલા લોકોને કહેવા માગું છું કે આપણા ખેલાડીઓના સન્માનમાં થોડીવાર તાળીઓ વગાડીને તેમનું સન્માન કરો.

ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતની હિંસાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું હતું ‘આપણે આઝાદીનો જશ્ન મનાવીએ છીએ, પરંતુ ભાગલા પડવાની પીડા આજે પણ હિન્દુસ્તાનની છાતીને ચીરે છે. આ ગત શતાબ્દિની સૌથી મોટી દુઃખદ ઘટનાઓમાંની એક છે. આઝાદી પછી આ લોકોને ખૂબ જલદીથી ભુલાવી દેવાયા. કાલે જ ભારતે એક ભાવુક નિર્ણય લીધો છે. હવેથી દર વર્ષે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે યાદ કરવામાં આવશે.

ગરીબોને પોષણયુક્ત ચોખા આપવાની જાહેરાત

સરકાર ગરીબોને પોષણયુક્ત ચોખા આપશે. રાશનની દુકાને મળતા ચોખા હોય, મિડ-ડે મિલમાં મળતા ચોખા હોય કે દરેક યોજનામાં મળતા ચોખા ફોર્ટિફાઈડ કરી દેવામાં આવશે.

ઉર્જા મામલે આત્મનિર્ભર બનશે ભારત

ભારતે ઉર્જા મામલે આત્મનિર્ભર બનવું પડશે. 2030 સુધીમાં ભારતીય રેલવે ઝીરો કાર્બન ઈમિટર બની જશે. મિશન સર્ક્યુલર ઈકોનોમી પર બળ આપવું પડશે. વ્હીકલ સ્ક્રેપ પોલિસી તેનું ઉદાહરણ છે. નેશનલ હાઈડ્રોજન મિશન શરૂ થશે. ભારતે ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનનું કેન્દ્ર બનવાનું છે.