પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતે 2020-21ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ 2021) દરમિયાન 1.6 ટકા આર્થિક વૃદ્ધિ નોંધાવી હતી. જોકે 2020-21ના સમગ્ર નાણાકીય વર્ષમાં દેશના અર્થતંત્રમાં 7.3 ટકાનો ધબડકો થયો હતો, જે અર્થતંત્રનો આશરે ચાર દાયકાનો સૌથી ખરાબ દેખાવ છે. કોરોના વાઇરસની બીજી લહેરને કારણે ચાલુ ક્વાર્ટરમાં અર્થતંત્રમાં ફરી ઘટાડો થવાની આશંકા છે.

નાણાકીય વર્ષ 2020-21માં દેશના અર્થતંત્રમાં ઘટાડો થવાનો અંદાજ હતો, કારણ કે ગયા વર્ષે કોરોના મહામારીએ અર્થતંત્ર પર તીવ્ર નેગેટિવ અસર કરી હતી. નાણાકીય વર્ષ 2019-20માં દેશનો GDP ગ્રોથ 4% હતો.

ગયા નાણાકીય વર્ષમાં ગ્રોસ વેલ્યુ એડેડ (GVA)માં 6.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. અર્થતંત્રનાં વિકાસ દર અંગે GVAને વધુ પ્રમાણભૂત માનવામાં આવે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવેલા આગોતરી અંદાજમાં અગાઉના નાણાકીય વર્ષમાં અર્થતંત્રમાં 8 ટકાનાં ઘટાડાનું અનુમાન હતું. આ રીતે વાસ્તવિક આંકડાઓ અનુમાન કરતા વધુ સારા છે.

ગયા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં બાંધકામ ક્ષેત્રમાં 14 ટકા વૃદ્ધિ થઈ હતી. યુટિલિટી સેક્ટરમાં ગ્રોથ 9.1 ટકા રહ્યો. યુટિલિટીમાં ગેસ, વીજળી, પાણી પુરવઠાનો સમાવેશ થાય છે. બીજી તરફ, સર્વિસ સેક્ટરમાં 2.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. સર્વિસ સેક્ટરમાં હોટલ, ટ્રેડ અને ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં, અર્થતંત્ર વૃદ્ધિનાં માર્ગ પર પાછું ફર્યું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ 0.5 ટકા હતો. આ પહેલા 2020-21 નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPમાં આશરે 23 ટકાનો ધરખમ ઘટાડો થયો હતો.