કોરોના મહામારીને કારણે ભારતને અર્થતંત્રને ચાલુ વર્ષે ફટકો પડવાનો અંદાજ છે. ચાલુ વર્ષ દેશની જીડીપીમાં 10.3 ટકાનો તીવ્ર ઘટાડો થવાનો અંદાજ છે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે મંગળવારે જણાવ્યું હતું. જોકે 2021માં અર્થતંત્ર બાઉન્સબેક થશે અને 8.8 ટકાનો ગ્રોથ દર્શાવી શકે છે, જે ચીનના 8.2 ટકાના આર્થિક વૃદ્ધિદર કરતાં વધુ છે.

2020માં વિશ્વમાં માત્ર ચીનમાં 1.9 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે વર્લ્ડ બેન્કે પણ આ વર્ષે ભારતનો જીડીપી માઈનસ 9.6 ટકા રહેવાની આગાહી કરી છે. આઈએમએફે તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં જણાવાયું છે કે કોરોના મહામારીના કારણે અસરગ્રસ્ત ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2020માં 10.3 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, આ જ સમયમાં વૈશ્વિક અર્થતંત્રમાં 4.4 ટકાનો ઘટાડો આવવાની સંભાવના છે.

જોકે, ભારતીય અર્થતંત્ર આગામી વર્ષે એટલે કે વર્ષ 2021માં 8.8 ટકાની અસાધારણ વૃદ્ધિ સાથે ધમાકેદર પુનરાગમન કરી શકે છે અને તે ચીનને પાછળ છોડીને ઝડપથી ઊભરતા અર્થતંત્રનો દરજ્જો ફરીથી હાંસલ કરી શકે છે. 2021માં વૈશ્વિક અર્થતંત્રમાં 5.2 ટકાની વૃદ્ધિનું અનુમાન કરવામાં આવ્યું છે. આઈએમએફ અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક પહેલાં વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક જાહેર કરતાં આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, વર્ષ 2020માં અમેરિકાના અર્થતંત્રમાં 5.8 ટકાનો ઘટાડો આવે તેવી સંભાવના છે જ્યારે આગામી વર્ષે તેમાં 3.9 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે.

આઈએમએફે દાવો કર્યો છે કે કોરોનાના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર સર્જાયેલી કટોકટી દૂર થવામાં ઘણો લાંબો સમય લાગશે. જોકે, તેણે ચીનના અર્થતંત્રમાં જોવા મળેલા ઝડપી સુધારા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.