ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન પીયૂષ ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું કે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે આ વર્ષે $40 બિલિયનના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રે કોવિડ પહેલાના સ્તરો કરતાં 6.5% વૃદ્ધિ નોંધાવવાની અપેક્ષા છે. ગોયલ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) સિગ્નેચર 2022ના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે G&J ક્ષેત્ર ભારતીય અર્થતંત્રનો મજબૂત આધારસ્તંભ છે.
ગોયલે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે “આપણો સોના અને હીરાનો વેપાર અમારા જીડીપીમાં લગભગ 7% ફાળો આપે છે અને 50 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે. આ વર્ષે જાન્યુઆરી સુધી નિકાસ પહેલેથી જ $32 બિલિયનની છે,”
ગોયલે કહ્યું કે, ભારત તેના જી એન્ડ જે સેક્ટરને સ્વનિર્ભર એટલે કે આત્મનિર્ભર બનાવવા માંગે છે અને સરકારે નિકાસ પ્રોત્સાહન માટે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ફોકસ એરિયા તરીકે જાહેર કર્યું છે.