પોતાની રોજબરોજની ફરજની ઉપરવટ, ચાર કદમ આગળ વધીને અદ્વિતીય ફરજ બજાવનાર કોવિડ રોગચાળાના નાયકો સમાવેશ બ્રિટનના 101 પ્રભાવશાળી એશિયનની GG 2 પાવર લિસ્ટની વિશેષ આવૃત્તિમાં કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. છેલ્લા 18 મહિનામાં તેમની બહાદુરીનું અપ્રતિમ પ્રદર્શન કરનાર ત્રીસ એશિયન ડોકટરો, નર્સો અને રીસર્ચસને ‘કોવિડ-19 રોગચાળાના નાયકો’ તરીકે બહુમાન આપવામાં આવ્યું છે. પોતાના “તેજસ્વી શૌર્ય, નિ:સ્વાર્થ અભિગમ અને સમર્પણ” માટે સન્માનિત કરાયેલા આ અગ્રણીઓની યાદી દેશભરના એનએચએસ સ્ટાફના યોગદાનને પ્રતિબિંબિત કરે છે જેમણે અસંખ્ય લોકોની મદદ માટે પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો.

એશિયન મીડિયા ગ્રુપ દ્વારા પ્રકાશિત, જીજી 2 પાવર લિસ્ટ યુકેમાં 101 સૌથી પ્રભાવશાળી દક્ષિણ એશિયનોનું સંકલન કરતું પ્રતિષ્ઠીત સંસ્કરણ છે જેનું અનાવરણ બુધવારે 28 જુલાઇના રોજ કરાયું હતું.

આ વર્ષે જીજી 2 પાવર લિસ્ટમાં ટોચનું પ્રથમ સ્થાન મેળવનારા અગ્રણી તરીકે ચાન્સેલર ઋષિ સુનકના પસંદગી થઇ છે જેમણે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રેઝરીનો હવાલો સંભાળ્યો હતો. બીજા ક્રમે હેલ્થ સેક્રેટરી સાજીદ જાવિદ છે. દેશની સૌથી શક્તિશાળી મહિલા એશિયન રાજકારણી, હોન સેક્રેટરી પ્રીતિ પટેલ ત્રીજા ક્રમે છે. મેટો પોલીસના આસીસ્ટન્ટ કમિશનર ફોર સ્પેશીયાલીસ્ટ ઓપરેશન નીલ બાસુને ચોથા સ્થાને અને અને BAME સમુદાયો પર રોગચાળાની અપ્રમાણસર અસરને પ્રકાશિત કરનારા પ્રથમ ચિકિત્સકોમાંના એક ડૉ. ચાંદ નાગપૌલની પાંચમા ક્રમે પસંદગી થઇ છે.

લંડનના મેયર સાદિક ખાન, કોર્ટ ઓફ અપીલ જજ સર રવીન્દર સિંઘ, અભિનેતા રિઝ અહેમદ, રાજકીય સલાહકાર મુનીરા મિર્ઝા અને સીઓપી 26ના પ્રમુખ આલોક શર્માનો ટોચના 10 સૌથી શક્તિશાળી બ્રિટિશ એશિયન તરીકે સમાવેશ કરાયો છે. જીજી 2 પાવર લિસ્ટમાં બ્રિટિશ મેડિકલ એસોસિએશનના કાઉન્સિલ ચેરમેન ડૉ. ચાંદ નાગપૌલ અને એનએચએસ ઇંગ્લેન્ડના પ્રાયમરી કેરના મેડિકલ ડાયરેક્ટર ડૉ. નિકિતા કાનાણી સહિતના અનેક હેલ્થ કેર નેતાઓનો સમાવેશ કરાયો છે.

જીજી 2 અને ઇસ્ટર્ન આઇના એક્ઝિક્યુટિવ એડિટર અને જજીસ પેનલના અધ્યક્ષ શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે, “યુકે માટે રોગચાળાના આ 18 મહિનાનો સમય અનોખો રહ્યો છે. આપણા દક્ષિણ એશિયન સમુદાયોના લોકો આ રોગચાળા સામેની લડતમાં મોખરે રહ્યા છે. દક્ષિણ એશિયન મૂળના કેબિનેટ પ્રધાનો દેશમાં ઉચ્ચતમ હોદ્દાઓ ધરાવે છે ત્યારે તેઓ વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિકો, ડોકટરો અને મેડિકલ પ્રોફેશનલ્સની સંપત્તિ વિના સફળ થઈ શક્યા ન હોત. અમે જાણીએ છીએ, અને તેમની પ્રશંસા કરીએ છીએ કે, ફ્રન્ટલાઈન એનએચએસ સ્ટાફે અંતિમ બલિદાન કેવી રીતે ચૂકવ્યું છે. આ વર્ષે અમે રાષ્ટ્ર માટે તેમણે આપેલા પ્રચંડ યોગદાન બદલ તેમની સરાહના કરીએ છીએ.”

શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે “એક દાયકા પહેલા અમારી પ્રથમ GG 2 પાવર લિસ્ટની આવૃત્તિ બહાર પડી તે પછી અગ્રણીઓના નામની પસંદગી કરવા માટેનું આ અમારું સૌથી વધુ મુશ્કેલ વર્ષ રહ્યું છે. અમને આપણા વિવિધ સમુદાયોની પ્રતિભાનો લાભ મળે છે. જેમણે દરેકે યુકેના વિકાસમાં મદદ કરવામાં વિશેષ ભૂમિકા ભજવી છે.”

આ વર્ષની યાદીમાં મનોરંજન, બિઝનેસીસ, રમતગમત સહિત વિવિધ ક્ષેત્રના એશિયન્સનો સમાવેશ કરાયો છે. ટોચના 20 લોકોની યાદીમાં પાંચ મહિલાઓનો અને સમગ્ર યાદીમાં 28 મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં ત્રીજા કરતા વધારે નવી એન્ટ્રીઓ આવી છે. બાફ્ટાના અધ્યક્ષ ક્રિષ્નેન્દુ મજુમદાર (ક્રમ 28); બીબીસી પત્રકાર નાગા મુનચેટ્ટી (36); કિક ઇટ આઉટ ચેર, સંજય ભંડારી (46) અને સ્કોટિશ લેબર પાર્ટીના નેતા અનસ સરવર (83)નો સમાવેશ થાય છે.

લંડન સ્થિત જી.પી., રોગચાળા દરમિયાન નેતૃત્વના ગુણો માટે સન્માનિત તથા ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કોરોનાવાયરસ બ્રીફિંગ દરમિયાન વડા પ્રધાન બોરીસ જોન્સન સાથે ઉપસ્થિત રહેતા ડો. નિકિતા કાનાણી આ યાદીમાં સૌથી વધુ નવા અને 15મા ક્રમે છે. 2018માં તેઓ NHSના પ્રાયમરી કેરના ડાયરેક્ટર તરીકે પ્રથમ મહિલા તરીકે નિયુક્ત થઇ તેમણે ઇતિહાસ રચ્યો હતો.

હેલ્થકેરની વધારાની નવી એન્ટ્રીઓમાં ચિફ મેડિકલ ઓફિસર અને યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ કોવેન્ટ્રી એન્ડ વૉરિકશાયરના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ પ્રો. કિરણ પટેલ (37) અને બીએમએના માનદ ઉપ પ્રમુખ, પ્રોફેસર કૈલાસ ચાંદ (78)નો સમાવેશ થાય છે. કોર્પોરેટ જગતની એન્ટ્રીમાં સલમાન અમીન (25), ઇવાન મેન્ઝિસ (29), લક્ષ્મણ નરસિમ્હન (32) અને નીતિન પરાંજપે (42) છે.

રાજકીય ક્ષેત્રના નવા ચહેરાઓમાં લેબર એમપી લિસા નાંદી (61), રોઝેના એલિન-ખાન (68), સીમા મલ્હોત્રા (77) અને પ્રિત કૌર ગિલ (80)નો સમાવેશ થાય છે. આર્ટ્સમાં, ઓસ્કારના નોમિની રીઝ અહેમદને આ યાદીમાં સૌથી ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. તેમની સાથે એક્ટર સંજીવ ભાસ્કર અને મીરા સયાલ (26), રોમેશ રંગનાથન (31), બીબીસી રેડિયો 4ના કંટ્રોલર મોહિત બકાયા, બ્રોડકાસ્ટર મિશલ હુસૈન, નિહાલ આર્થનાયકે (45), અનિતા રાની (57) અને દેવ પટેલ (67)નો સમાવેશ કરાયો છે.

શ્રી સોલંકીએ કહ્યું હતું કે, “યુકેમાં આપણો દક્ષિણ એશિયન પ્રતિભાનો સ્થંભ કેટલો સમૃદ્ધ છે તે બતાવતી આ યાદી અતિશય મહત્વની છે. તે દર્શાવે છે કે બ્રિટનના નિર્માણમાં આપણા દાદા-દાદી અને માતા-પિતાએ તેમનો લોહી, પરસેવો અને આંસુ ફાળવ્યા હોવાથી આપણે રાષ્ટ્ર તરીકે કેટલા આગળ આવ્યા છીએ. બસ ડ્રાઈવરોના પુત્રોથી લઈને, ન્યુઝ એજન્ટોના માલિકો કે  ડોકટરો અને આઇરિશ માતાઓનાં બાળકો સુધી, આ યાદી કહે છે કે સંસ્થાકીય, માળખાગત અને પ્રણાલીગત જાતિવાદ આપણને હરાવી શકશે નહિ.’’

GG2 પાવર લિસ્ટની શરૂઆત સાથે જ, GG2 લીડરશીપ એવોર્ડ્સ આ વર્ષના અંતે આપવામાં આવશે જે એવોર્ડ્સ બ્રિટનના વંશીય લઘુમતી સમુદાયોના ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરનારાઓની પ્રગતિની ઉજવણી કરશે. જેના પૂર્વ વિજેતાઓમાં લેખક બર્નાર્ડિન એવરીસ્ટો, ફેશન ડિઝાઇનર ઓઝવાલ્ડ બોટેંગ; યુનિલીવરના નીતિન પરાંજપે; મેન્ટલ હેલ્થ કેમ્પેઇનર પોપી જમાન અને લેબર સાંસદ ડેવિડ લેમ્મીનો સમાવેશ થાય છે.

** જીજી 2 પાવર લિસ્ટ જોવા માટે ક્લીક કરો…..

Full Power List