ગીરનાર પર્વત

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે ત્યારે બે વર્ષ સુધી બંધ રહેલી ગીરનારની લીલી પરિક્રમાને લીલી ઝંડી મળી ગઈ છે. કલેક્ટરે યોજેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે લીલી પરિક્રમામાં આ વર્ષે માત્ર 400 લોકોને જ ભાગ લેવાની મંજુરી આપવામાં આવી છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય છે.

વર્ષોથી યોજાતી લીલી પરિક્રમામાં સામાન્ય રીતે લાખો લોકો ઉમટતા હોય છે. આ લીલી પરિક્રમામાં સાધુ સંતો અને પદાધિકારીઓ જ સામેલ થશે, હવે, 400 લોકોમાં કોને કોને સમાવવા એનો નિર્ણય સાધુ, સંતો અને મહાનગર પાલિકા દ્વારા લેવામાં આવશે. બીજી તરફ, બેઠક બાદ વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે. સંગઠને જણાવ્યું કે, માત્ર ફોર્માલિટી માટે જ આ બેઠક યોજવામાં આવી હતી.

પરંપરા જળવાઈ રહે એ માટે પરિક્રમાના ગેટ પાસે વિવિધ પૂજન વિધી કરવામાં આવી હતી. લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ જળવાઈ રહે એ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગીરનારની તળેટીમાં ચાર દિવસનો ભવ્ય મેળો પણ યોજાય છે. ત્યારે આ ધાર્મિક પંરપરામાં ઠેર ઠેરથી લોકો ઉમટા હોય છે. લીલી પરિક્રમામાં અંદાજે 10 લાખથી પણ વધુ લોકો આવતા હોય છે. જેઓ ગીરનારના જંગલમાં પરિક્રમા કરી ધન્યતા અનુભવતા હોય છે.