વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં બે લાખ છ હજાર 990 લોકોના મોત થયા છે. 29 લાખ 94 હજાર 731 સંક્રમિત છે, જ્યારે આઠ લાખ 78 હજાર 792 લોકો સાજા થઈ ચૂક્યા છે. ઈટલીમાં 14 માર્ચ બાદ રવિવારે સૌથી ઓછા 260 લોકોએ જીવ ગુમાવ્યો છે. વડાપ્રધાન ગિઉસેપ કોંટે કહ્યું કે દેશમાં 4 મેથી લોકડાઉનના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવશે. જોકે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. અહીં અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમેરિકામાં ઘણા રાજ્યો જેવા કે મિનિસોટા, કોલોરાડો, મિસિસિપી, મોંટાના અને ટેનેસીમાંથી પ્રતિબંધો હટશે. એક રિપોર્ટ મુજબ રવિવારે ન્યૂયોર્ક પોલીસના બે અધિકારીઓનું મોત થયુ હતું. અત્યાર સુધીમાં ન્યુયોર્કના કુલ 37 પોલીસ કર્મચારીઓના મોત થયા છે. ન્યુયોર્કમાં રવિવારે એપ્રિલમાં પ્રથમ વખત 400થી ઓછા મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 22 હજાર 275 લોકોના મોત થયા છે, જ્યારે બે લાખ 93 હજાર 991 લોકો સંક્રમિત છે.સ્પેનમાં 24 કલાકમાં 288 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા અહીં 378 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં મોતની સંખ્યા હવે ઘટી રહી છે. અહીં અત્યાર સુધીમાં 23 હજાર 190 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે બે લાખ 26 હજાર લોકો સંક્રમિત છે. અહીં લોકડાઉનન દરમિયાન રવિવારે પ્રથમ વખત બાળકોને ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળી.