ભારતમાં 16 જૂનથી સોનાના દાગીના પર BIS માપદંડ પ્રમાણે હૉલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવા નિયમનો તબક્કાવાર રીતે 256 જિલ્લાઓમાં અમલ કરાશે. હોલમાર્કિંગ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવતું ક્વોલિટી અંગેનું સર્ટિફિકેટ છે. તે સોનાની શુદ્ધતાને ગેરંટી આપે છે. ગ્રાહકોની બાબતના વિભાગના પ્રધાન પીયૂષ ગોયલ અને જ્વેલર્સ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
ઓગસ્ટ 2021 સુધી હાલના તબક્કે કોઈ પેનલ્ટી વસૂલ કરાશે નહીં. ઉદ્યોગ દ્વારા રજૂ કરાયેલી ચિંતા અંગે સરકારે વિચારણા કરી છે અને તેનો ઉકેલ આવી જશે. વાર્ષિક 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવનારને હોલમાર્કિંગમાંથી મુક્તિ અપાઈ છે. 256 જિલ્લામાં જ્વેલર્સ 14, 18 અને 22 કેરેટના સોનાના ઝવેરાતનું વેચાણ કરી શકશે. ઘડિયાળ, ફાઉન્ટેન પેન અને વિશેષ પ્રકારની જ્વેલરીને હોલમાર્કિંગમાંથી મુક્તિ અપાઈ છે. દેશમા સ્વૈચ્છિક ધોરણે હોલમાર્કિંગ ચાલુ કર્યાના આશરે બે દાયકા બાદ તેને ફરજિયાત બનાવવામાં આવ્યું છે.