યુરો 2020 ફૂટબોલ કપ દરમિયાન પોર્ટુગલ કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (UEFA/Handout via REUTERS )

યુરો 2020ની સોમવારે એક પ્રેસ કોન્ફન્સમાં પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના બે શબ્દોને કારણે કોકા કોલાને આશરે 4 બિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો.

રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની સામે રાખવામાં આવેલી કોકા કોલાની બે બોટલ દૂર કરી હતી અને પાણીની બોટલ ઉઠાવીને ‘ડ્રિંક વોટર’ એમ કહ્યું હતું. આ નિવેદનની શેરબજાર પર અસર જોવા મળી હતી અને કોકા કોલાના શેર ધડાધડ તૂટવા લાગ્યા અને કંપનીના માર્કેટકેપમાં આશરે 4 બિલિયન ડોલરનું ધોવાણ થયું હતું. યુરોપમાં બપોરે 3 વાગ્યે માર્કેટ ખુલ્યુ ત્યારે કોકા કોલાના શેરનો 56.10 ડોલર હતો. અડધા કલાક બાદ રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને પછી તરત કોકા કોલાના શેર ઘટવા લાગ્યા હતા અને 55.22 ડોલરે પહોંચી ગયા હતા. કંપનીનું માર્કેટકેપ 242 બિલિયન ડોલરથી ઘટીને 238 બિલિયન ડોલર થયું હતું.

કોકા કોલા યુરો કપની સત્તાવાર સ્પોન્સર છે. આ કારણે સ્પોન્સર તરીકે તેના ડ્રિન્ક સત્તાવાર કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવે છે. આ વિવાદ બાદ કોકાકોલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ખેલાડીઓને પ્રેસ કોન્ફરન્સ કે મેચ દરમિયાન દરેક પ્રકારનું ડ્રિંક આપવામાં આવે છે. તેઓ શું લેવાનું પસંદ કરે છે તે તેમના પર નિર્ભર છે.