(Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

મોદી સરકારના પ્રધાનમંડળના સંભવિત વિસ્તરણ પહેલા મંગળવારે આઠ રાજ્યોના ગવર્નરોને બદલવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિના આદેશ અનુસાર, કર્ણાટકના ગવર્નર તરીકે કાર્યરત વજુભાઈ વાળાના સ્થાને કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતને મૂકવામાં આવ્યા છે. વજુભાઈ વાળાને 2014માં કર્ણાટકના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાતના આદિવાસી નેતા તેમજ ભૂતપૂર્વ વનપ્રધાન મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા છે. આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો.

આ ઉપરાંત, આંધ્રપ્રદેશના ભાજપના નેતા હરિબાબુ કમ્ભાપતિને મિઝોરમના ગવર્નર બનાવાયા છે. હાલના મિઝોરમના ગવર્નર પી.એસ. શ્રીધરન પિલ્લાઈની ગોવા ટ્રાન્સફર કરવામાં આવી છે. હરિયાણાના ગવર્નર સત્યદેવ નારાયણ આર્યને ટ્રાન્સફર કરીને ત્રિપુરા મૂકાયા છે, જ્યારે ત્રિપુરાના ગવર્નર રમેશ બઈસને ઝારખંડ ટ્રાન્સફર કરાયા છે. હિમાચલપ્રદેશના ગવર્નર બંદારુ દત્તાત્રેયને હરિયાણામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે ગોવાના ભાજપના નેતા રાજેન્દ્રન વિશ્વનાથ અર્લેકરને હિમાચલપ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા છે.