જર્મનીમાં કેબિનેટે તાજેતરમાં એક વિવાદસ્પદ બિલ પસાર કરીને ગાંજાના કાયદાકીય ઉપયોગ અને તેના વાવેતરને મંજૂરી આપી છે. આ બિલથી વૈશ્વિક ક્ષેત્રે ગાંજાના કાયદાઓમાં છૂટછાટો આપવાના વલણને સંભવિત વેગ મળશે. જોકે, આ કાયદો હજુ સંસદમાં પસાર થવાનો બાકી છે, અને જો તેને મંજૂરી મળશે તો વયસ્ક લોકો તેમની પાસે 25 ગ્રામ સુધી ગાંજો રાખી શકશે અને તેના વધુમાં વધુ ત્રણ છોડનું વાવેતર કરી શકશે. આ અંગે ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને આશા છે કે, આ નવા કાયદાથી ગાંજાનું કાળાબજાર નિયંત્રણમાં આવશે, તેના ઉપયોગકર્તા દુષિત ગાંજાથી બચી શકશે અને ન્યાયતંત્રની કામગીરીમાં પણ ઘટાડો થશે.
જો, સંસદમાં બિલ પસાર થશે તો, જર્મનીનો યુરોપના એવા દેશોમાં સમાવેશ થશે જ્યાં ગાંજા સંબંધિત કાયદાઓમાં છૂટછાટો આપવામાં આવી છે.
જોકે, આ બિલનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે, કન્ઝર્વેટિવ્ઝ વિરોધપક્ષના સાંસદોએ ખાસ ચેતવણી આપી છે કે, તેનાથી ગાંજા ઉપયોગમાં મુસીબત ઊભી થશે અને નવા કાયદાથી સત્તાધિશોની કામગીરીમાં વધારો થશે. આ અંગે યુએનના નાર્રોટિક્સ બાબતોના વોચડોગે માર્ચ મહિનામાં જણાવ્યું હતું કે, ગાંજાના આવા ઉપયોગને કાયદેસર બનાવવા માટે સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે તેની ખપત અને તેનાં સંબંધિત આરોગ્ય તકલીફોમાં વધારો થયો છે.
2017થી જર્મની સહિત યુરોપના ઘણા દેશોએ ગાંજાનો દવાના હેતુ માટે મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી હતી, અન્ય દેશોએ તેના સામાન્ય ઉપયોગને બિન-ગુનાઇત ઠેરવ્યો હતો. માલ્ટા, યુરોપનો એવો પ્રથમ દેશ છે કે, જેણે 2021ના અંતમાં ગાંજાના અંગત ઉપયોગ માટે મર્યાદિત વાવેતર અને તેને રાખવાની મંજૂરી આપી હતી.