જે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તેવા સૌથી વધુ સંવેદનશીલ લોકોને સુરક્ષિત રાખવા માટે એન.એચ.એસ. દ્વારા ડ્રાઈવના ભાગ રૂપે જીપીને પ્રત્યેક રસી આપવા માટે £10નું ભંડોળ આપવામાં આવશે. આ ઉપરાંત દેશના વિવિધ શહેરોમા કુલ 18 વિશાળ રસી કેન્દ્રો સોમવારથી શરૂ કરવામાં આવ્યા છે.

હેલ્થ સર્વિસ દ્વારા ઇતિહાસમાં સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 100થી વધુ કેન્દ્રો દ્વારા મોટા પાયે જીવન બચાવતી રસી અપાઇ રહી છે, સાથે સાથે સ્થાનિક 1,000 જી.પી. સર્વિસ અને લગભગ 200 હાઇ સ્ટ્રીટ ફાર્મસીઓ, અને 250થી વધુ હોસ્પિટલ હબ્સ દ્વારા રસી આપવામાં આવી રહી છે.

70 અને તેથી વધુ વયના લોકોને વેક્સીન કેન્દ્ર અથવા ફાર્મસી ખાતે રસી અપાશે અથવા તેમની સ્થાનિક જી.પી. સર્વિસની કે હોસ્પિટલ દ્વારા સંપર્ક કરાય તે માટે રાહ જોવાની રહેશે. હાલમાં કેટલાક જી.પી. ડિમેન્શિયા જેવી પરિસ્થિતિઓ સાથે જીવતા 100થી વધુ લોકોને દરરોજ રસી આપે છે. ગ્રામીણ વિસ્તારોમાં જી.પી. અને હેલ્થ કેર ટીમો ભારે બરફ હોવા છતાં લોકોને ઘરે જઇને રસી આપી રહ્યા છે. આ જોતાં આ મહિનાના મધ્યભાગમાં, જોઇન્ટ કમિટી ઓન વેક્સીનેશન અને ઇમ્યુનાઇઝેશન્સ દ્વારા નક્કી કરવામાં આવેલા ટોચના ચાર પ્રાધાન્ય જૂથોના સૌને રસી આપી દેવાશે તેમ હાલ જણાઇ રહ્યું છે.

જી.પી. અને એન.એચ.એસ. મેડિકલ ડિરેક્ટર ફોર પ્રાયમરી કેર ડો. નિક્કી કાનાણીએ જણાવ્યું હતું કે “JCVI દ્વારા નિર્ધારિત અગ્રતા સમૂહના લોકોને રસી આપવા માટે દેશભરના જીપીઓ દ્વારા જબરદસ્ત પ્રયાસો કરવામાં આવ્યા છે. એ યાદ રાખો કે જ્યારે તમારો રસી માટેનો વારો આવશે ત્યારે NHS તમારો સંપર્ક કરશે.”

દેશભરના મુખ્ય રસીકરણ સ્થળો પર રસી આપવા માટે પત્રો પહેલેથી જ મોકલવામાં આવ્યા છે. રસી મેળવવા કોઈએ પણ NHSનો સંપર્ક કરવાની જરૂર નથી, જ્યારે તમારો વારો આવશે ત્યારે તમને આમંત્રણ આપવામાં આવશે.

સોમવાર તા. 8 ફેબ્રુઆરીથી ચેસ્ટરટન ઇન્ડોર બાઉલ્સ ક્લબ, કેમ્બ્રિજ; ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડ શોગ્રાઉન્ડ, પીટરબરો; હેમલ હેમ્પસ્ટેડ હોસ્પિટલ; નોરીચ કમ્યુનિટિ હોસ્પિટલ, નોરીચ; ઓલ્ડ લોઝ કોર્ટ, લોઅરસ્ટ્રોફ્ટ; વ્હીટમોર લેક્સ, લિચફિલ્ડ; એલેન્ડ રોડ સ્ટેડિયમ, લીડ્સ; હલ સિટી હોલ, હલ; એલ્ડર્લી પાર્ક કોન્ફરન્સ સેન્ટર, મેકલ્સફિલ્ડ; ચેસ્ટર રેસ કોર્સ, ચેસ્ટર; બક્સ યુનિવર્સિટી એલ્સબરી કેમ્પસ, એલ્સબરી; સેન્ટ જ્હોન શોપિંગ સેન્ટર, પ્રેસ્ટન; ધ મોલ, બર્નલી; મીલ આર્ટસ એન્ડ ઇવેન્ટ્સ સેન્ટર, રેઇલી; સેક્સન કોર્ટ, મિલ્ટન કિન્સ; વૉટફર્ડ ટાઉન હૉલ, વૉટફર્ડ; વોટલિંગ હાઉસ, ડન્સ્ટેબલ; એન્જલ સેન્ટર, ટોનબ્રીજ ખાતે વેક્સીનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.