પ્રસ્તુત તસવીરમાં ઉપલી હરોળમાં ડાબેથી યતીન દાવડા, મહેન્દ્રસિંહ જાડેજા, લોર્ડ જીતેશ ગઢીયા, વચલી હરોળમાં ડાબેથી બોબ બ્લેકમેન, એમપી, વિરેન્દ્ર શર્મા, એમપી, નવિનભાઇ શાહ, નીચલી હરોળમાં ડાબેથી ગેરેથ થોમસ, એમપી, સંજય રૂઘાણી અને સંજય જગતીયા.

લોહાણા કમ્યુનિટિ નોર્થ લંડન (LCNL) દ્વારા સેન્સસ 2021 માટે જાગૃતી આણવા રવિવાર તા. 7 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજે ઝૂમ મીટિંગ ગોઠવવામાં આવી હતી. જેમાં સેન્સસ 2021માં ભારતીય સમુદાયનો અવાજ સંભળાય અને વસ્તી ગણતરીના આધારે ભારતીય સમુદાયની વિવિધ જરૂરીયાતોને સરકાર દ્વારા સંતોષવામાં આવે તે આશયે સમજ આપવામાં આવી હતી.

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે સેન્સસ 2021 માટે યુકેના દરેક ઘરે માર્ચ માસમાં ઘરે એક કોડ સાથે પત્ર મોકલવામાં આવશે. આ વખતે સેન્સસ 2021 મોટે ભાગે ઑનલાઇન હશે જેને કોડ લખીને કમ્પ્યુટર, ફોન અથવા ટેબ્લેટ્સ પર પ્રશ્નાવલિ પૂર્ણ કરી શકશે. કોમ્પ્યુટર નહિં જાણતા લોકો માટે વિવિધ ભાષામાં પેપર પર લખાયેલ સેન્સસ ફોર્મ પણ મળશે અને મફત ફોન કરીને પણ વસ્તી ગણતરીમાં ભાગ લઇ શકાશે. આ વસ્તી ગણતરીના ફોર્મને પૂર્ણ ભરવું એ કાનૂની આવશ્યકતા છે અને તેમ કરવામાં નિષ્ફળ જવાથી £1000 નો દંડ થઇ શકે છે અને ગુનાહિત રેકોર્ડ થઈ શકે છે.

LCVNના પ્રમુખ યતીન દાવડાએ બેઠકની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે “એક દાયકા પછી વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે અને તે આપણને ઇંગ્લેન્ડ અને વેલ્સના તમામ લોકોની સૌથી સચોટ માહિતી આપે છે. સેન્સસ દેશની વંશીય રચના, જીવન વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ અને નોકરી-ધંધા વિશેની માહિતી પ્રદાન કરશે અને તેમાંથી મળેલા ડેટાથી વર્ષો સુધી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે નીતિને ઘડવામાં મદદ કરશે. સેન્સસ સરકાર, સ્થાનિક અને કાયદાકીય અધિકારીઓને આપણા સમાજને શું જોઈએ છે તે સમજવામાં મદદ કરશે. તેના આધારે તેઓ જરૂરી સેવાઓ, ભંડોળ, શાળાઓ, હોસ્પિટલો, ડોકટરોની સર્જરી, ઇમરજન્સી સેવાઓની રચનામાં મદદ કરશે.

યુકેમાં ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સ (ઓએનએસ) ખાતેના ભારતીય સમુદાયના સલાહકાર અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય જગતીયાએ જણાવ્યું હતું કે, ‘’યુકેમાં ભારતીય ડાયસ્પોરા માટે ખૂબ જ જરૂરી એવી સેન્સસની આ ગણતરી 10 વર્ષે એક વાર આવી છે. તેના ફોર્મ્સ ભરવાની ઘણી અસરો છે. સેન્સસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા જે તે સમાજ કે દેશના લોકોના પ્રતિનિધિત્વ, ભંડોળ, જાહેર નીતિ અને અન્ય ઘણી પ્રક્રિયાઓ અને સિસ્ટમોને અસર કરે છે. તે યુકેમાં આપણા રોજિંદા જીવનને લગતી બાબતોને અસર કરે છે. શાળાઓ, આરોગ્ય, આવાસો અને રસ્તાઓ માટે નાણાં ભંડોળ જેવી બાબતો પર સરકારી સંસાધનોનું વિતરણ યોગ્ય રીતે કરવામાં આવે છે તેની ખાતરી કરવા ભારતીય સમુદાયે ભાગ સેન્સસમાં ભાગ લેવાની જરૂર છે. વસ્તી ગણતરીમાં તમારી જાતિ, વય, કાર્ય, આરોગ્ય, શિક્ષણ, ઘરના કદ અને વંશીયતા વિશેના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં દરેકને તેમની રાષ્ટ્રિયતા, વંશીય-જૂથ અને ધર્મની ઇચ્છા પ્રમાણે ઓળખ કરવાની મંજૂરી આપવાના વિકલ્પો છે. તમામ વ્યક્તિગત જવાબો ગુપ્ત રહેશે અને તે માહિતી કોઇને વહેંચવામાં આવતી નથી.’’

ઝૂમ મીટિંગનું સંચાલન સંજય રૂઘાણીએ કર્યું હતું અને ફેસબુક પર પણ 300 થી વધુ લોકોએ તેમાં ભાગ લીધો હતો અને લોકોના પ્રશ્નોના જવાબ અપાયા હતા.

આ બેઠકમાં અતિથિ વક્તાઓમાં લોર્ડ જીતેશ ગઢીયા, બોબ બ્લેકમેન, એમપી, વિરેન્દ્ર શર્મા, એમપી, નવીન શાહ, લંડન એસેમ્બલી મેમ્બર, ગેરેથ થોમસ, એમપીએ ઉપસ્થિત રહી પૂરક માહિતી આપી બધા સમુદાયને સક્રિયપણે સેન્સસમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.