ગ્રીસના વડાપ્રધાન કિરિયોકોસ મિત્સોટાકીસે કોરોના વાઇરસ સંબંધિત નવા નિયંત્રણોની જાહેરાત કરી હતી. (Dimitris Papamitsos/Greek Prime Minister's Office/Handout via REUTERS)

કોરોના વાઇરસના કેસમાં ઉછાળાને પગલે ગ્રીસમાં રાત્રિના સમય દરમિયાન કરફ્યુને લંબાવવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશના સૌથી વધુ ગીચ વિસ્તારોમાં એક મહિના માટે રેસ્ટોરા અને બાર બંધ કરવામાં આવશે, એમ ગ્રીસના વડાપ્રધાને શનિવારે જણાવ્યું હતું.

ગ્રીસ રાષ્ટ્રીય રાજધાની એથેન્સ સહિતના ઉત્તર ગ્રીસ અને એટ્ટિકા વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બરથી રેસ્ટોરાં, બાર્સ, કોફી હાઉસ, સિનેમા, મ્યુઝિયમ અને ક્લોઝ્ડ જિમ એક મહિના માટે બંધ રાખવામાં આવશે. દેશભરમાં નાઇટટાઇમ કરફ્યુ મધ્યરાત્રી સવારના પાંચ વાગ્યા સુધી રહેશે.

આ નવા નિયમોમાં મનોરંજન અને લોકોની અવરજવર એમ બે બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જોકે રિટેલ બિઝનેસ, ઇન્ડસ્ટ્રી અને સ્કૂલો ખુલ્લી રહેશે. હોટેલ અને હેરડ્રેસિંગ સલુન જેવી સર્વિસિસ ઇન્ડસ્ટ્રીઝ પણ ચાલુ રહેશે. એટ્ટીકા વિસ્તારની વસતી આશરે 3.9 મિલિયન અને ઉત્તરગ્રીસની વસતી આશરે 1.5 મિલિયન છે.

ગ્રીસમાં શુક્રવારે કોરોના વાઇરસના 1,690 નવા કેસ નોંધાયા હતા અને પાંચ લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને 620 થયો હતો. ગુરુવારે આશરે 1,211 નવા કેસ નોંધાયા હતા.