ફ્લોરિડાના વાઇલ્ડવૂડમાં નોર્ડિક ગન એન્ડ પોનના સેલ્સ એસોસિયેટ અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક અને રિચાર્ડ આલબ્રેટ્સ કામગીરી કરી રહ્યા છે. (REUTERS/Octavio Jones)

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીના પરિણામ પહેલા ગન સહિતના હથિયારોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ચૂંટણીના પરિણામો જાહેર થવામાં વિલંબ થયો તો હિંસા ફાટી નીકળે તેવી શક્યતા છે ત્યારે હથિયારનું ભારે વેચાણ થઈ રહ્યું છે. વર્ષ 2020માં અત્યાર સુધી આશરે 17 મિલિયન લોકોએ ગનની ખરીદી કરી છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

એક વર્ષમાં હથિયારોના વેચાણનો અગાઉનો રેકોર્ડ 2016નો છે અને તે વર્ષમાં 16.6 મિલિયન હથિયાર વેચાયા હતા. 2016માં પ્રેસિડન્ટ માટે હિલારી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સ્પર્ધા હતી. સ્મોલ આર્મ્સ એનાલિટિક્સના ચીફ ઇકોનોમિસ્ટે જણાવ્યું હતું કે ઓગસ્ટ સુધીમાં ગનનું વેચાણ ગયા વર્ષના કુલ વેચાણ કરતાં વધી ગઈ હતી. સપ્ટેમ્બર સુધીમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ થયું છે.

અમેરિકામાં ચૂંટણી પરિણામ એક તરફી રહ્યુ તો હિંસા ફાટી નીકળવાની પૂરી શક્યતાઓ હોવાની ચેતવણી અપાઈ રહી છે. કોરોનાના સંક્રમણ અને તાજેતરમાં અમેરિકામાં થયેલી વંશીય હિંસા બાદ બંદુકોના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે. એક અનુમાન પ્રમાણે 5 મિલિયન લોકો એવા છે જેમણે પહેલી વખત તાજેતરમાં કોઈને કોઈ હથિયાર ખરીદયુ છે. દુનિયામાં અમેરિકા જ એવો દેશ છે, જ્યાં અલગ અલગ પ્રકારની ગનની સંખ્યા દેશની કુલ વસતી કરતા પણ વધારે છે. અમેરિકામાં દર 100 નાગરિકે 120 બંદુકો છે. આ સ્થિતિમાં પ્રેસિડન્ટની ચૂંટણીના પરિણામોથી ભડકો થઈ શકે છે.

અગાઉ માર્ક ઝકરબર્ગે કહ્યુ હતુ કે, દેશના લોકો વિભાજિત થયા છે અને દેશમાં આંતરિક વિગ્રહનો ખતરો મંડરાઈ રહ્યો છે. ટ્રમ્પ પણ અગાઉ કહી ચુક્યા છે કે, ચૂંટણીમાં મારા વિરુધ્ધ પરિણામ આવ્યુ તો મારા રાઈટ વિંગ સમર્થકો કાર્યવાહી કરવા માટે તૈયાર છે. એક અભ્યાસ પ્રમાણે અમેરિકાના પેન્સિલવેનિયા, મિશિગન, જ્યોર્જિયા અને વિસ્કોન્સિન જેવા ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રાજ્યોમાં ટ્રમ્પ સમર્થક હથિયારધારી ગ્રૂપ મોટી સંખ્યામાં છે અને તેમનાથી સૌથી વધારે ખતરો છે.
આ પૈકીના કેટલાક જૂથોએ ખુલીને ડોનાલ્ડ ટ્રમ્પનુ સમર્થન કર્યુ છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં તો કોર્ટમાં એ વાત પર દલીલો થઈ રહી છે કે, મતદાનના દિવસે બૂથ પર હથિયારો સાથે મતદાન કરવા જવાની મંજૂરી આપવી જોઈએ કે નહી. મિશિગન રાજ્યના એક જજે તો બંદુક સાથે લઈ જવાની પરવાનગી આપી પણ દીધી છે, જેને ટ્રમ્પ ટેકો આપી રહ્યા છે. હથિયારોની ખરીદી માટે થઈ રહેલા ધસારા બાદ અમેરિકાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટે પોતાના રિટેલ સ્ટોરમાં બંદુકો અને દારુગોળાનુ વેચાણ રોકી દીધુ છે.