ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ મહત્ત્વપૂર્ણ ટેક્સ રિફોર્મ તરીકે જાણીતા જીએસટી(ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને 21મી સદીનું સૌથી મોટું પાગલપણું ગણાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે દેશને 2030 સુધીમાં મહાશક્તિ બનવા માટે વાર્ષિક દસ ટકાના દરે વિકાસ સાધવો પડશે. સ્વામીએ પૂર્વ વડાપ્રધાન પી વી નરસિંહારાવને તેમણે પોતાના કાર્યકાળમાં કરેલા આિર્થક સુધારા બદલ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની પણ માગ કરી છે.

સુબ્રમણ્યન સ્વામી પ્રજ્ઞાા ભારતી દ્વારા આયોજિત ‘ઇન્ડિયા- એન ઇકોનોમિક સુપરપાવર બાય 2030’ વિષય પર આયોજિત એક સંમેલનમાં બોલી રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે સમયાંતરે ભારતે આઠ ટકાનો વૃદ્ધિ દર હાંસલ કર્યો છે પણ કોંગ્રેસ નેતા દ્વારા આગળ વધારવામાં આવેલા સુધારામાં ખાસ કોઇ પ્રગતિ જોવા મળી રહી નથી.

સ્વામીએ જણાવ્યું હતું કે રોકાણકારોને આવકવેરા અને જીએસટીને ડરાવો નહીં. ભારતે ભ્રષ્ટાચારથી લડવા અને રોકાણકારોને સન્માનિત કરવાની જરૂર છે. જીએસટીની પ્રક્રિયા એટલી જટિલ છે કે કોઇને પણ ખબર પડી રહી નથી કે ક્યાં ક્યું ફોર્મ ભરવું પડશે.

તેમણે જણાવ્યું હતું કે ભારત આજે ઓછી માગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. લોકોની પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી જેની અસર આિર્થક ચક્ર પર પડી રહી છે. ભ્રષ્ટાચાર દૂર કરવા માટે આવકવેરો નાબૂદ કરી દેવો જોઇએ અને ઉંચો આિર્થક વિકાસ હાંસલ કરવો જોઇએ.

સ્વામીએ જણાવ્યું હતું કે ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં ભારતમાં એકર દીઠ ઉત્પાદન અન્ય દેશોની સરખામણીમાં ઓછું છે. ઉત્પાદન વધારવા માટે ભારતમાં સિંચાઇની સુવિધાઓમાં વધારો કરવો પડશે.