Getty Images)

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા છે જ્યારે વધુ ૨૨ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યું થયા છે. શનિવારની સરખામણીમાં લગભગ ત્રણ હજાર જેટલા ઓછા ટેસ્ટ પણ સંભવત: એક કારણ હોઇ શકે. હાલની સ્થિતિએ અમદાવાદમાં સ્થિતિ થોડી નિયંત્રણમાં હોય તેમ જણાય છે. રોજેરોજ દસેક હજાર જેટલા ટેસ્ટ વચ્ચે પોઝિટિવ કેસનો આંક ૧૫૦ની નીચે રહે છે. શહેરમાં નવા ૧૪૩ અને ગ્રામ્યમાંથી ૧૨ કેસ મળી કુલ ૧૫૫ કેસ આવ્યા છે જ્યારે શહેરના બે દર્દીના કોવિડ સંક્રમણથી મૃત્યું થયા છે. આ આંક એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પહેલી વખત થયો હતો.

અલબત્ત, સુરત શહેરમાં આઠવા લાઇન્સ અને વરાછામાં સૌથી સ્થિતિ ખરાબ છે એના કારણે સરેરાશ ૨૦૦થી વધુ કેસ રોજેરોજ નોંધાયા છે. રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૦૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાં ક્રમશ: કેસ ઘટીને ૨૮ થયા છે. અલબત્ત, મૃત્યુંનું પ્રમાણ હજુ ઊંચુ છે. મહાનગરમાંથી વધુ સાત દર્દીઓ અને ગ્રામ્યમાંથી વધુ પાંચ મળી ૧૨ દર્દીના મૃત્યું થયા છે.

વડોદરા મહાનગરમાં એક સાથે ૮૧ કેસ નવા નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે જ્યારે જિલ્લામાંથી નવા પંદર કેસ આવ્યા છે. આમ, સરેરાશ ૯૦ ઉપર રહી છે. જોકે, શહેરમાં સારવાર હેઠળના વધુ બે દર્દીના મૃત્યું થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૯ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેસ રાજકોટમાંથી નોંધાયા છે. રાજકોટ મહાનગરમાંથી એક સાથે ૮૦ કેસ મળ્યા છે એની પાછળનું કારણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના પછી અમદાવાદ મોડેલની જેમ સઘન ટેસ્ટીંગ વધારાયું છે. સુપરસ્પ્રેડર્સ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી ચેકઅપ હાથ ધરાતા કેસમાં ઉછાળો આવ્યો છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૪ નવા કેસ આવ્યા છે આમ, પહેલી વખત જિલ્લા આખાનો આંક ૯૪ થયો છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યું પણ થયું છે.

રાજકોટ પછી સૌથી વધારે કેસ ભાવનગર શહેરમાંથી આવ્યા છે. શહેરમાંથી નવા ૪૬ કેસની સાથોસાથ ગ્રામ્યમાંથી નવા ૨૬ કેસ મળી કુલ ૭૨ કેસ મળ્યા છે. આ જ રીતે જૂન મહિના સુધી ગ્રીન ઝોનમાં રહેલા જામનગર શહેરમાંથી જ એક સાથે નવા ૪૦ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૨ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૪૦ કેસમાં શહેરના જ ૧૯ કેસ છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી નવા ૧૭ કેસ, બોટાદમાંથી ૧૫, ગીરસોમનાથમાં ૧૪, દેવભૂમિ દ્વારકામાંથી ૧૩, સુરેન્દ્રનગરમાંથી ૧૦, કચ્છમાંથી ૧૬, પોરબંદરમાંથી નવા ૭ કેસ ઉમેરાયા છે.

મહેસાણામાં કડી, વીસનગર, વિજાપુર, ઊંઝા, બેચરાજીમાંથી મળી નવા ૪૪ કેસ નોંધાયા છે જ્યારે પાટણ જિલ્લામાં સિદ્ધપુર, રાધનપુર, શંખેશ્વર જેવા સંક્રમિત વિસ્તારોમાંથી નવ કેસ ઉમેરાયા છે. પાટણમાં એક દર્દીનું મૃત્યું થયાનું સરકારે સ્વીકાર્યું છે. સાબરકાંઠામાં હિંમનગર, પ્રાંતિજ, ઇડર જેવા વિસ્તારોમાંથી આઠ કેસ નવા ઉમેરાયા છે. અરવલ્લામંથી એક કેસ છે, આ જ રીતે બનાસકંઠા જિલ્લામાંથી ત્રણ જ કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોઇએ તો વલસાડ જિલ્લામાંથી C૦, નવસારીમાંથી ૧૯, દાહોદમાંથી ૧૭, આણંદ, ભરૂચમાંથી ૧૬-૧૬ કેસ, છોટાઉદેપુરમાંથી ૧૩, નર્મદામાંથી ૧૦, તાપી ૪, મહીસાગરમાંથી એક કેસ નવો ઉમેરાયો છે. જ્યારે અન્ય રાજ્યના ૨ નવા કેસ ઉમેરાયા છે.