ચોમાસાની આ સિઝનમાં વરસાદની આશરે 45 ટકા ઘટને પગલે રાજ્યના ડેમોમાં પાણીનું સ્તર ઘટ્યું છે. હાલ આ ડેમો પોતાની કુલ ક્ષમતાના 47.54% જ ભરેલા છે, એમ બુધવારે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે જણાવ્યું હતું.

રાજ્ય સરકારે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના કુલ 207માંથી માત્ર પાંચ ડેમ કાંઠા સુધી ભરાયેલા છે. આ પાંચમાંથી ચાર ડેમ સૌરાષ્ટ્રમાં આવેલા છે અને એક દક્ષિણ ગુજરાતમાં છે. રાજ્યના 200થી વધુ ડેમ અને જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતા કરતાં અડધાથી પણ ઓછું જળસ્તર હોવા છતાં રાજ્ય સરકારે 5 લાખ હેક્ટર જેટલી જમીનમાં સિંચાઈ માટે ડેમોમાંથી પાણી આપવાનો નિર્ણય કર્યો છે, જેથી ઊભા પાકને નુકસાન ના થાય.

ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે, ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે. સામાન્ય કરતાં 45 ટકા વરસાદની ઘટ હાલ રાજ્યમાં વર્તાઈ રહી છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, 1 જૂનથી 10 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં સામાન્ય કરતાં 45 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં 458.8 mm વરસાદ નોંધાય છે પરંતુ રાજ્યમાં 252.7 mm જ વરસાદ વરસ્યો છે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું.

ખરીફ ઋતુમાં 75,73,106 હેક્ટર જમીન પર વાવણી થઈ ચૂકી છે ત્યારે ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે, 30 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલા પીવાના પાણીનો સંગ્રહ કરીને 5 લાખ હેક્ટર જમીનમાં રહેલા ઊભા પાક માટે ડેમમાંથી પાણી આપવામાં આવશે. મંગળવારે રાજ્ય સરકાર તરફથી બહાર પાડેલા નિવેદનમાં આ વાત જણાવાઈ હતી.
ગુજરાતના 33 જિલ્લાઓમાંથી અરવલ્લી અને ગાંધીનગરમાં આ સીઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ બંને જિલ્લાઓમાં વરસાદની ઘટ સૌથી વધુ છે. જ્યારે બાકીના 31 જિલ્લાઓમાં પણ સામાન્ય ઘટ નોંધાઈ છે, તેવો હવામાન ખાતાના રિપોર્ટમાં ઉલ્લેખ છે.

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા ઝોન મુજબના ડેટાની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદના 36.39%, પૂર્વ-મધ્ય વિસ્તારોમાં 34.72%, સૌરાષ્ટ્રમાં 33.8%, કચ્છમાં 31.74% અને ઉત્તર ભાગમાં 31.2% વરસાદ પડ્યો છે.