ગુજરાતના ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ ત્યારથી અત્યાર સુધીમાં ડ્રગ્સના કેસોમાં  અપ્રતિમ સફળતા મળી છે. જેની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, એન.ડી.પી.સી. એક્ટ -૧૯૮૫ હેઠળ તા ૧૬/૦૯ /૨૦૨૧ થી તા.૧૦/૧૧/૨૦૨૧ સુધીમા ગાંજો / અફિણ / ચરસ / હેરોઇન / બ્રાઉનસુગર / અન્ય સિન્થેટીક ડ્રગ્સ સંદર્ભે ૫૮ કેસો કરીને ૯૦ આરોપીઓની ધરપકડ કરી છે, અને આશરે કુલ ૨૪૫.૧૫ કરોડનો ૫૭૫૬.૬૧૪ કિ.ગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.
વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા માટે કટીબધ્ધ છે . અને આ ભગિરથ કાર્યમાં જનતાનો સહયોગ પણ મળી રહેશે તો રાજ્યના યુવા ધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબારને નાથવામાં ચોકકસ સફળતા પ્રાપ્ત થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે. સમગ્ર વિશ્વમા આતંકવાદ અને ભ્રષ્ટાચારની માફક ડ્રગ્સના દુષણે પણ જાળ બિછાવી છે અને યુવા ધનને નશાના દલદલમાં ધકેલવા ડ્રગ્સ માફિયાઓ અવનવા પેતરા રચી હાઇટેક ટ્રીક અપનાવતા રહે છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણને મૂળથી નાથવા માટે વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. આ માટે સમયાંતરે સમીક્ષા બેઠકો ,પોલીસ જવાનોને પ્રોત્સાહન તથા સામાજીક સંગઠનો, રાજકીય પદાધિકારીઓ અને જનસમુદાયના સહયોગથી ગૃહવિભાગની સીધી દેખરેખ હેઠળ ડ્રગ્સ માફિયાઓના કારનામાઓનો અંત લાવી અને ડ્રગ્સ માફિયાઓને ઝબ્બે કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
છેલ્લા બે – ત્રણ દિવસમાં જ દેવભૂમિ – દ્વારકા , છોટાઉદેપુર , અમદાવાદ ગ્રામ્ય અને સુરત શહેરમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સના હેરફેરમાં NDPS કાયદા અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ છે.