. (PTI Photo)

ગુજરાતમાં 18 જુલાઈ સુધીમાં સરેરાશ ૭.૧૭ ઈંચ સાથે મોસમનો ૨૧.૬૯% વરસાદ નોંધાઇ થયો હતો. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની રવિવારે આગાહી કરી હતી. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે. પરંતુ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 9.05 ઈંચ વરસાદ નોંધાયો હતો.

જોકે 18 જુલાઈ પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, તેથી સરેરાશ વરસાદમાં વધારો થયો છે. 18 જુલાઇ સુધીમાં ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીની સિઝનનો 18.84 ટકા, મધ્ય ગુજરાતમાં 19.75 ટકા, સૌરાષ્ટ્રમાં 22.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 20.47 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો.

શનિવારે મધરાતથી ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે રવિવારે સાંજ સુધીમાં સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાને તરબોળ કરી દીધુ હતું. વલસાડના ઉમરગામમાં રવિવારે આભ ફાટતાં બે જ કલાકમાં ૮.૬ ઈંચ વરસાદ સાથે કુલ ૯.૩૬ ઈંચ વરસાદ થયો હતો. બીજી તરફ નવસારીના ગણદેવીમાં ૯.૬ ઈંચ, જલાલપોરમાં ૮.૩૬ ઈંચ, ચીખલી ૮.૧ ઈંચ, ખેરગામ ૭.૩૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. વાપી ૯.૦૪ ઈંચ, અને વલસાડમાં ૫.૯૨ ઈંચ વરસાદ પડયો છે.  સુરતમાં સૌથી વધુ વરસાદ કામરેજ તાલુકામાં ૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે નવસારી, વલસાડ અને સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં અનેક વિસ્તારોમાં લોકો ફસાઈ ગયા હતા.

વાવણીલાયક વરસાદથી જગતનો તાત ખુશખુશાલ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડાંગરની વાવણીનો આરંભ થઇ ચૂક્યો હતો. પરંતુ વરસાદના અભાવે ખેડૂતો ચિંતિત હતા. ડાંગરની વાવણી માટે ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠા હતા તેવામાં સિંચાઇ વિભાગે પણ પાણી છોડવાનું બંધ કરી દેતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ મેઘરાજાએ સમયસર પધરામણી કરતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.
નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી ૨૮ ફૂટ છે. જ્યારે રવિવારે વરસેલા વરસાદને પગલે પાણીની સપાટી એક જ દિવસમાં ૧૦ ફૂટ પર પહોંચી ગઇ હતી. તેવી જ રીતે પૂર્ણા નદીની સપાટી પણ ૧૨.૨૦ ફૂટે પહોંચી જવા પામી છે. લોકમાતા બંને કાંઠે વહેતી થતાં જોવા માટે લોકો ઉમટી પડયા હતા. ઉપરાંત બીલીમોરાનો દેવધા ડેમ પણ છલકાઇ ગયો હતો.