અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે કોરોના દર્દીઓને લઇને એબ્યુલન્સ જઈ રહી છે અને દર્દીને દાખલ કરવા માટે રાહ જોઇ રહી છે. (PTI Photo)

કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે સરકારે સત્તાવાર લોકડાઉનની જાહેરાત કરી નથી, પરંતુ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મહાનગરોના ઘણા વિસ્તારો તથા અનેક નાના શહેરો અને ગામડામાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત થઈ હતી. ગુજરાતના જુદા-જુદા વેપારી સંગઠનો દ્વારા ત્રણ દિવસથી અઠવાડિયા સુધીના સ્વૈચ્છિક બંધ માટેની જાહેરાતો કરવામાં આવી હતી

ઉત્તર ગુજરાતના સૌથી મોટો શહેર મહેસાણામાં 22 એપ્રિલથી 11 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત રાજપીપળામાં 20 એપ્રિલ 2021 મંગળવારથી 23 એપ્રિલ શુક્રવાર સુધી ચાર દિવસ તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે મંગળવાર, 20 એપ્રિલ, 10 દિવસ માટે જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો હતો.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સહિત રાજ્યભરની તમામ ચેમ્બરના હોદ્દેદારોએ વેપારીઓ સાથે ચર્ચા કર્યા બાદ શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક બંધની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાં મોટાભાગના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. સ્વૈચ્છિક બંધને મળેલી સફળતા બાદ રાજ્યભરના જુદા-જુદા શહેર, તાલુકા, જિલ્લા અને વિસ્તારના સ્થાનિક સંગઠન દ્વારા નાગરિક સમિતિ દ્વારા બજાર અને વેપાર-ધંધા બંધ રાખવા માટેની જાહેરાતો કરવામાં આવી રહી હતી.

અરવલ્લી મોડાસામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. મંગળવારથી 7 દિવસ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં વિવિધ વેપારી મંડળ દ્વારા લોકડાઉન

અમદાવાદ વસ્ત્રાપુર વેપારી મંડળ દ્વારા 30 એપ્રિલ સુધી તમામ બજારો અને દુકાને બપોરે 3 વાગ્યા બાદ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી. મસ્કતી કાપડ મહાજન અને અન્ય કાપડ મહાજનો દ્વારા તમામ કાપડના વેપારીઓને પોકાની દુકાન કે પેઢીમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવા માટેની તૈયારી રાખવાની જાહેરાત કરાઈ હતી.
અમદાવાદ શહેરના નિકોલ, વસ્ત્રાલ, ઘાટલોડિયા નિર્ણયનગર, વસ્ત્રાપુર, નરોડા, સરદારનગર, કુબેરનગર, વગેરે વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધનું શસ્ત્ર ઉગામીને ‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ની ઉક્તિને ખરેખર ચરિતાર્થ કરી હોવાનું જોવા મળ્યું હતું. માધુપુરા માર્કેટ, મણિનગર, ખોખરા, સીટીએમ, નરોડા, કુબેરનગર, વસ્ત્રાપુર,ઘાટલોડિયા, નિર્ણયનગર, વગેરે વિસ્તારોમાં શનિ અને રવિવારે એમ બે દિવસ માટે વીક એન્ડ બંધ પાળવામાં આવ્યો હતો. જ્યારે સોમવારે વેપાર- ધંધા અને ઓફિસો રાબેતા મુજબ ધમધમતા થયા હતા. શહેરના ચાંદલોડિયા, વસ્ત્રાપુર, નિર્ણયનગર, રાણિપ, ન્યુ રાણિપ, સાબરમતી, વસ્ત્રાપુર, વગેરે વિસ્તારોમાં બપોરે બે વાગ્યા પછી સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. સરદારનગર, કુબેરનગર, નરોડામાં ચાર વાગ્યા પછી બંધ પળાયો છે. નરોડા પાટિયાથી સરદાનગર સુધીના વિસ્તારમાં બુધવારથી તમામ દુકાનો બંધ રાખવા વેપારીઓએ નિર્ણય કર્યો છે.

સુરતમાં તબીબો, વેપાર સંગઠનો દ્વારા લોકડાઉનની અપીલ

સુરતને કોરોનામુક્ત કરવા અને કોરોના સંક્રમણની ચેઇન તોડવા શહેરના અગ્રણી 27 તબીબોએ જાહેર અપીલ બહાર પાડી સ્વૈચ્છિક લોકડાઉન રાખવા અપીલ કરી હતી. તબીબોએ જણાવ્યું હતું કે કોરોનાના કેસ વધતાં મેડિકલની માળખાગત સુવિધાઓ પર વધુ પડતું ભારણ આવ્યું છે. આ સ્થિતિમાં 15 દિવસ લોકો જેટલા ઓછા લોકોને મળે એટલી કોરોના સંક્રમણની ચેન તૂટશે. કોરોના સંક્રમણથી શહેરને બચાવવા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશને 200 કાપડ માર્કેટો અને 80 હજાર કાપડના વેપારીઓ વતી મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કોરોનાની ચેન તોડવા 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાની માગ કરી હતી.

રાજકોટ અને ગૌંડલમાં વેપારીઓ દ્વારા બંધ

રાજકોટ શહેર અને જિલ્લામાં સતત વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અલગ અલગ વેપારીઓ અને એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા અચોક્કસ સમય સુધી તો ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા 26 એપ્રિલ સુધી કુલ સાત દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. સોની બજાર, માર્કેટ યાર્ડ, શાકભાજી બજાર સહિતના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી હતી.

કચ્છના ભચાઉ અને રાપર APMC ત્રણ દિવસ માટે બંધ

કચ્છમાં કોરોનાની સ્થિતિ લઈને ભચાઉ અને રાપર APMC ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ભુજ APMC સ્વૈચ્છિક લોકડાઉન થઈ હતી. ખેડૂતો પણ પોતાનો માલ હરાજી માટે નહીં લાવવા માટે અપીલ કરી હતી. ભુજ APMC 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વલસાડમાં બપોરે બે વાગ્યા પછી બજારો બંધ

વલસાડ જિલ્લા અને શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા વલસાડ શાકભાજી માર્કેટ 19 એપ્રિલથી અચોક્ક સમય સુધી બપોરે 2 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડમાં કોરોનાના વધતા કેસોના પગલે વિવિધ વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છીક રીતે બપોરે 2 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રખાશે અને 2 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે વલસાડ શાકભાજી માર્કેટના અગ્રણીઓ સાથે શહેર પોલીસે બેઠક કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જ્યાં સુધી અન્ય સૂચના ન મળે અને કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી માર્કેટ બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

આણંદમાં લોકડાઉન

આણંદ સહિત 7 નગરપાલિકામાં આંશિક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તમામ લારી ગલ્લા, બજાર બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. આણંદ સહિત 7 નગરપાલિકામાં કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, બોરસદ, પેટલાદમાં આંશિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. મંગળવાર, 20 એપ્રિલથી 30 એપ્રિલ સુધી કલેક્ટરે બહાર પાડેલું જાહેરનામું અમલી રહેશે. આંશિક લોકડાઉનમાં તારાપુર ગ્રામપંચાયતનો પણ સમાવેશ થાય છે.

મહેસાણામાં 11 દિવસનું લોકડાઉન

ઉત્તર ગુજરાતના સૌથી મોટા શહેર મહેસાણામાં કોરોનાના કેસો સતત વધતાં 20 એપ્રિલે 11 દિવસના લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. મહેસાણા શહેરનાં તમામ બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે. મંગળવારે, 20 એપ્રિલે નગરાપાલિકાના હોદ્દેદારોની વહેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં મહેસાણા શહેરનું બજાર આગામી 11 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

આ નિર્ણય પ્રમાણે મહેસાણા શહેરમાં 22 એપ્રિલ થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાશે. લોકોને તકલીફ ના પડે એટલા માટે 20 એપ્રિલ અને 21 એપ્રિલના રોજ મહેસાણા શહેરના બજારો આખો દિવસ ચાલુ રહેશે.
ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધતાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ કોરોના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. મૃતકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં શનિ-રવિવારના દિવસે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરી સંક્રમણ અટકાવવા પ્રયાસો થયા  છે. આમ છતાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે.

દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં વીકેન્ડ લોકડાઉન

દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં વધતા જતા કોરોના એક્ટિવ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ત્રણેય પ્રદેશોમાં વીકેન્ડ લોકડાવન  લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જે અનુસંધાને આ પ્રથમ શનિ-રવિમાં પ્રશાસન ને  પ્રજા દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો છે.

દીવ જિલ્લા કલેકટર સલોની રાયએ પણ દીવની પ્રજાને આ લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવા અપીલ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ સિવાયના દિવસોમાં પણ જરૂરી કામ સિવાય કોઈએ વધારે બહાર ન નીકળવું અને બહાર નીકળતી વખતે માસ્ક સેનેટાઈઝર તેમજ સામાજિક અંતર જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું. જો લોકો દ્વારા આ રીતે પૂર્ણ સહયોગ આપવામાં આવશે તો જ આપણે દીવ ને  આ સંક્રમણ થી બચાવી શકાશે.