ગુજરાતમાં કોરોના વાયરસનો કેર ઘટવાનું નામ જ લઇ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 477 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 20574 થઇ ગયો છે. આ ઉપરાંત છેલ્લા 10 દિવસથી સતત નોંધાઇ રહેલા 400થી વધુ કેસનો સિલસિલો પણ યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 31 વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાથી મૃત્યુઆંક હવે 1280 થઇ ગયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં કોરોનાના 346 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંક હવે 14631 થઇ ગયો છે. ગુજરાતમાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંના 71.11 ટકા માત્ર અમદાવાદમાંથી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ ઉપરાંત રાજ્યના 19 જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે.

અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તેમાં 48 સાથે સુરત બીજા, 35 સાથે વડોદરા ત્રીજા, 6 સાથે સુરેન્દ્રનગર ચોથા અને 5 સાબરકાંઠા પાંચમાં સ્થાને છે. ગુજરાતના 15 જિલ્લાઓમાં હાલ કોરોનાના 100થી વધુ કેસ છે. જેમાં અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા એવા જિલ્લા છે જ્યાં કોરોનાના કુલ કેસનો આંક 1 હજારથી વધુ છે.

છેલ્લા 24 કલાકમાં 31 વ્યક્તિને કોરોના ભરખી ગયો છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 24, સુરત-ગાંધીનગરમાંથી 2-2, સાબરકાંઠા-પંચમહાલ-રાજકોટમાંથી 1-1નો સમાવેશ થાય છે. આમ, કુલ મૃત્યુઆંક હવે અમદાવાદમાં 1039, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગરમાં 18 છે.

ગુજરાતમાં અત્યારસુધી 25 જિલ્લામાં કોરોનાથી ઓછામાં ઓછું 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. હાલમાં રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5330 છે અને તેમાંથી 59 વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 321 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જેમાં અમદાવાદમાંથી 218 સહિત કુલ 10130 વ્યક્તિ ડિસ્ચાર્જ થઇ ચૂકી છે.

આ સિવાય છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 57, વડોદરમાંથી 28, કચ્છમાંથી 5 વ્યક્તિને રજા આપવામાં આવી હતી. ગુજરાતમાં અત્યારસુધી કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા 2.56લાખ થઇ ગઇ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 2.10 લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.