Getty Images)

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સોમવારે કહ્યુ કે કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિ વિશ્વભરમાં કથળી રહી છે. ડબ્લ્યૂએચઓનું કહેવું છે કે એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ કહ્યુ કે અમેરિકામાં કોવિડ-19ની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. જાતિવાદ વિરુદ્ધ અમેરિકા સહિત વિશ્વભરના પ્રમુખ શહેરમાં યોજાઇ રહેલા પ્રદર્શનને જોતા સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય સંસ્થાએ પ્રદર્શનકર્તાઓને અપીલ કરી છે કે તેઓ પોતે ધ્યાન રાખે જેથી વાયરસનું સંક્રમણ વધે નહીં.

ગત વર્ષે ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાંથી સામે આવેલા કોરોના વાયરસથી વિશ્વભરમાં 4,03,000 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે 70 લાખથી વધારે લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે. પૂર્વ એશિયા બાદ, યુરોપ આ વાયરસનું કેન્દ્રનું બન્યું હતું પરંતુ હવે અમેરિકાએ તેની જગ્યા લઇ લીધી છે.

ડબ્લ્યૂએચઓ પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસે જિનેવામાં આયોજિત એક વર્ચ્યુઅલ કૉન્ફરન્સમાં કહ્યુ કે, યુરોપમાં પરિસ્થિતિ સુધરી રહી છે, પરંતુ વૈશ્વિક સ્તર પર પરિસ્થિતિ વણસી રહી છે. તેમણે કહ્યુ કે છેલ્લા 10 દિવસમાંથી નવ દિવસમાં દરરોજ એક લાખ કેસ સામે આવ્યા છે.

ગઇ કાલે 1,36,000 નવા કેસ સામે આવ્યા, જે એક દિવસમાં સામે આવતા કોરોના કેસનો સૌથી મોટો આંકડો છે. WHO પ્રમુખે કહ્યુ કે આ કેસોમાં 75 ટકા કેસ 10 દેશોમાંથી સામે આવ્યા છે, જેમાંથી મોટાભાગે અમેરિકા અને દક્ષિણ એશિયામાં નોંધાયા છે. વિશ્વભરમાં મોટાભાગના લોકો હજુ પણ સંક્રમણ માટે અતિસંવેદનશીલ છે.

ટેડ્રોસે કહ્યુ કે આ મહામારીના સામે આવ્યાના 6 મહિનાથી વધારે સમય થઇ ગયો છે. આ કોઇ પણ દેશ માટે મહામારી અટકાવવાના ઉપચારોમાં ઘટાડો કરવાનો સમય નથી. 25 મેના રોજ અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડની હત્યાને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શનને લઇને WHO પ્રમુખે કહ્યુ કે મોટી સંખ્યામાં લોકોના એકત્ર થવાને કારણે વાયરસની સક્રિયતાની દેખરેખ કરવી જરૂરી છે, જેથી તેના ફેલાવાને અટકાવી શકાય છે.

તેમણે કહ્યુ કે ડબ્લ્યૂએચઓ સમગ્રપણે સમાનતા લાવવા અને જાતિવાદ વિરુદ્ધ વૈશ્વિક આંદોલનનું સમર્થન કરે છે. અમે તમામ પ્રકારના ભેદભાવનો અસ્વીકાર કરીએ છીએ. અમે વિશ્વભરમાં વિરોધ કરી રહેલા તમામ લોકોને સુરક્ષિત રીતે આમ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ડબ્લ્યૂએચઓ પ્રમુખે જણાવ્યું કે સંગઠને 50 લાખ પીપીઇ કિટને 110 દેશોમાં મોકલી છે. વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થાએ એક અબજ 29 કરોડ પીપીઇ કિટ 126 દેશોમાં મોકલવાનો લક્ષ્ય રાખ્યો છે.