ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત રાજ્યના પ્રધાનમંડળના સભ્યો અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં શનિવારે સવારે રામલલ્લાનાં દર્શન કર્યા હતા. મુખ્ય પ્રધાને અયોધ્યા રામમંદિરમાં દર્શન-પૂજન પછી મીડિયાને જણાવ્યું હતું કે, પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની અલૌકીક પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં નવા કાલચક્રના ઉદભવનો ઉદઘોષ છે.એટલું જ નહીં, આવનારા હજારો વર્ષોમાં રામરાજ્યની સ્થાપનાનાં સંકલ્પ સાથે ભારતની દ્રષ્ટીનું, દર્શનનું અને દિગ્દર્શનનું મંદિર આ રામમંદિર બન્યું છે. સાચા અર્થમાં આ મંદિર રાષ્ટ્ર ચેતનાનું અને રાષ્ટ્રનાં નવ જાગરણનું મંદિર છે એમ તેમણે ઉમેર્યું હતું.

રામમંદિરનાં દર્શને આવતાં રાજ્યના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યામાં ઉત્તરપ્રદેશ સરકારે આપેલી જમીન પર ગુજરાત યાત્રી ભવનનાં નિર્માણ માટે ગુજરાત સરકારે આ વર્ષનાં બજેટમાં રૂ. ૧૦ કરોડ ફાળવ્યા છે અને કુલ રૂ. ૫૦ કરોડનું આયોજન છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રામલલ્લાનાં દર્શને આવનારા ગુજરાતભરનાં યાત્રિકોને સરળતાએ આવાસ સુવિધા પૂરી પાડવા આ યાત્રી ભવનનું નિર્માણ થવાનું છે. દેશભરમાંથી રોજેરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી રામચંદ્ર ભગવાનના દર્શનનો લ્હાવો લેવા અયોધ્યા આવે છે. ગુજરાતમાંથી ખાસ આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા રમલ્લાના દર્શને આવતા યાત્રાળુઓને લઇ જવામાં આવે છે.

LEAVE A REPLY

7 + one =