FILE PHOTO (ANI Photo)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)એ સોમવાર, 5મેએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કર્યું હતું. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ 93.07 ટકા પરિણામ જાહેર થયુ હતું. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો હતો. આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે.

આ વર્ષે બંને પ્રવાહમાં રિઝલ્ટ આશરે એક ટકા વધુ રહ્યું હતું. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઉંચું રિઝલ્ટ આવ્યું હોવાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયાં હતાં. ધો.12નાં કુલ 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધો.10ની સાથે જ ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષા 27મી ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી કુલ 1.11 લાખ વિદ્યાર્થી નોંધાયા હતાં, જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 4.23 લાખ વિદ્યાર્થી નોંધાયાં હતાં.

આ પરિણામ દર્શાવે છે કે મોટા શહેરો કરતા નાના શહેરોના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં સારો દેખાવ કર્યો. વિજ્ઞાનપ્રવાહમાં ગત વર્ષની સરખામણીની તુલનામાં આ વર્ષે વધુ 1.06 ટકા ઊંચું પરિણામ આવ્યું હતું. ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રમાં ગત વર્ષે બોડેલીનું 47.98 ટકા હતું જયારે આ વર્ષે દાહોદનું 54.48 ટકા પરિણામ જોવા મળ્યું હતું.

રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ તમામ વિદ્યાર્થીઓને સારા ભવિષ્યની શુભકામના આપીને જણાવ્યું હતું કે સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પાસ થનાર અને સારો ક્રમાંક લાવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન. જો કે નાપાસ વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. કોઈ એક વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે માટે જૂન મહિનામાં જ નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. આગામી જૂન મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા આગામી જૂન મહિનામાં જ લેવામાં આવશે.

LEAVE A REPLY