રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. તેમાં પણ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપતા હવે કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને 68 પર આવી ગયું છે. જેને પગલે કોંગ્રેસના બે ઉમેદવારોમાંથી એકની હાર થઈ શકે છે.

જેથી કોંગ્રેસે નાક બચાવવા માટે કોઈ એક ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવવું કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે આજે કોંગ્રેસના ધારાસભ્યો અને નિરીક્ષકો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બન્ને ઉમેદવારને ચૂંટણી લડાવવી કે પછી કોઈ એકને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક પૂર્ણ થયા બાદ એક લાઈનનો ઠરાવ કરવામાં આવ્યો હતો. હાલ અસમંજસમાં મુકાયેલી કોંગ્રસે ઠરાવ હાઈકમાન્ડને મોકલી દીધો છે, અને હવે અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પર છોડ્યો છે. આમ હવે હવે શક્તિસિંહ ગોહિલ કે ભરતસિંહ સોલંકીમાંથી કોને ઉમેદવારી પાછી ખેંચાવવી અથવા તો બંનેને ચૂંટણી લડાવવી કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય સોનિયા ગાંધી લેશે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજ જયપુરના શિવ વિલાસ રિસોર્ટ ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં અને કેન્દ્રીય નિરીક્ષકો બી. કે. હરિપ્રસાદજી અને રજની પાટીલની ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યોઓએ સર્વાનુમતે એક લીટીનો ઠરાવ પસાર કરી રાજ્યસભાના ઉમેદવારો અંગેનો નિર્ણય કરવાની સત્તા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સુપ્રત કર્યો છે.