ભારતીય સેનાએ પહેલગામ ત્રાસવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ મંગળવારે મોડી રાત્રે હુમલાની કામગીરી હાથ ધરી હતી. સેનાએ 90 ત્રાસવાદીઓનો સફાયો કર્યો હતો. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળીને 7 મેના રોજ રાત્રે 1 વાગ્ય પછી પાકિસ્તાન અને POKમાં નવ ત્રાસવાદી કેમ્પો નષ્ટ કર્યા હતા. આ કેમ્પોમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદીનના 900 ત્રાસવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ભારતીય સેનાએ પાકિસ્તાનના ત્રાસવાદી સ્થાનો પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું હતું.
આ અંગે સેનાએ બુધવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, આ ઓપરેશનમાં સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. માત્ર ત્રાસવાદી સંગઠનોને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે અને પાકિસ્તાનની સેના કેમ્પોને પણ કોઇ નિશાન બનાવવામાં આવ્યા નહોતા.
કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી હતી કે, 7 તારીખે રાત્રે 1.05થી 1.30 વાગ્યા સુધી ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું. 25 મિનિટમાં જ 9 ત્રાસવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતાં. વિશ્વસનીય સૂચનાઓના આધારે આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા હતા. નિર્દોષ નાગરિકોને નુકસાન ન પહોંચે, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાન જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાનમાં ત્રણ દસકાથી ત્રાસવાદીઓનું માળખું તૈયાર થઈ રહ્યું છે. ઓપરેશનમાં પાકિસ્તાન અને POKમાં સ્થિત ત્રાસવાદીઓના ભરતી કેન્દ્રો, તાલીમ વિસ્તાર અને લોન્ચ પેડ્સને નષ્ટ કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહીમાં મુઝફ્ફરાબાદના સઈદના બિલાલ કેમ્પને નષ્ટ કરવામાં આવ્યો છે, જે જૈશ-એ-મોહમ્મદનો સ્ટેજિંગ એરિયા હતો, જે હથિયાર, વિસ્ફોટક અને જંગલ સર્વાઈવલ ટ્રેનિંગનું કેન્દ્ર હતું. લાઇન ઓફ કંટ્રોલ (LOC)થી 30 કિ.મી.ના અંતરે આવેલુ લશ્કર-એ-તૈયબાનો બેઝ કોટલીનું ગુલપુર કેમ્પ પણ નષ્ટ થયું છે. આ કેમ્પ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં સક્રિય હતું. આ કેમ્પે ત્રાસવાદીઓને 20 એપ્રિલ, 2023ના રોજમાં પૂંછ અને 9 એપ્રિલ, 2024ના તીર્થયાત્રીઓની બસ પર હુમલાની ટ્રેનિંગ આપી હતી. એલઓસીથી 9 કિ.મી. દૂર બરનાલા કેમ્પ ભિમબર પણ નષ્ટ કરાયું છે. બરનાલા કેમ્પ પણ હથિયાર, હેન્ડલિંગ, IED, અને જંગલ સર્વાઈવલનું ટ્રેનિંગ સેન્ટર હતું. આ ઉપરાંત પાકિસ્તાનની અંદર ત્રાસવાદીઓને ટ્રેનિંગ આપતાં સિયાલકોટના સરજલ ત્રાસવાદી કેમ્પનો સફાયો થયો છે. જે આંતરરાષ્ટ્રીય સરહદથી 6 કિમી દૂર છે. મુરીદકેના મરકજ તૈયબા ત્રાસવાદી કેમ્પને પણ નષ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં અઝમલ કસાબ અને ડેવિડ હેડલીને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કેમ્પ આંતરરાષ્ટ્રીય સરહદથી 18-25 કિમીના અંતરે છે. જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર મરકજ સુભાનાલ્લાહ કેમ્પને પણ નષ્ટ કર્યો છે. જ્યાં ત્રાસવાદીઓની ભરતી અને ટ્રેનિંગ થતી હતી.
