(ANI Photo)

ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજાએ ગત સપ્તાહ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ઘમરોળ્યાં હતાં. 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સિઝનનો વિક્રમજનક 137 ટકા વરસાદ નોંધાયો હતો. ગયા સપ્તાહે વડોદરા, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારાને કારણે વડોદરાવાસીઓ પર ફરી એકવાર પૂરનું સંકટ ઊભું થયું હતું. બીજી તરફ હવામાન વિભાગે પહેલી ઓક્ટોબર સુધી વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદનો યલો એલર્ટ જારી કર્યો હતો.

વિશ્વામિત્રી સોમવાર, 30 સપ્ટેમ્બરે 26 ફૂટની ભયનજનક સપાટી વટાવી જાય તેવી સ્થિતિ હતી. જોકે વરસાદ થંભી જતા અને ઉપરવાસથી પાણીની આવક પણ ઓછી થઈ જતા નદીમાં જળસ્તર ઘટવાની શરૂઆત થતાં લોકોને રાહત થઈ હતી. સોમવારે સવારે 11:30 કલાકે પાણી વધુમાં વધુ 25.06 ફૂટ સુધી પહોંચ્યું હતું. સોમવાર, 30 સપ્ટેમ્બરે પૂરા થતાં છેલ્લાં 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેર, જુનાગઢ શહેર અને નડિયાદ શહેરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

ભાવનગર જિલ્લામાં સમગ્ર સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદને પગલે ભાવનગર શહેર અને જિલ્લાની જીવાદોરી ગણાતા શેત્રુંજી ડેમ 30 સપ્ટેમ્બરે સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો અને 20 દરવાજા ખોલીને 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

27 સપ્ટેમ્બરે સવારે છ વાગ્યે પૂરી થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 82 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં બપોરના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતાં. ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતા થયા હતાં. ગિરનાર પર્વત પરનું પાણી ભવનાથ અને દામોદરકુંડમાં આવતા પાણીના ડરામણા દ્રશ્યો સર્જાયા હતાં.

ચોમાસાના તાજેતરના રાઉન્ડે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને મોટાભાગે અસર કરી હતી. સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળીના મુખ્ય પાક સહિત તેમના ઉભા પાકને બચાવવા માટે વરસાદના બીજા રાઉન્ડની આશા રાખી રહ્યા હતા ત્યારે મેઘરાજા મહેરબાન બન્યાં હતા. અમદાવાદમાં પણ બે દિવસ દરમિયાન આશરે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.
ભારે વરસાદને કારણે બારડોલી પાસેથી પસાર થતી મીંઢોળી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. નદીમાં પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતાં. અમરેલીના સૂરવો ડેમના દરવાજા ખોલતાં નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ઘણાં પશુઓ તણાઈ ગયા હતા.

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં 30 સપ્ટેમ્બર સુધીમાં સીઝનનો સરેરાશ 137 ટકા વરસાદ નોંધાયો હતો. આ ચોમાસામાં રાજ્યમાં સરેરાશ 47.44 ઇંચ વરસાદ થયો હતો. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો 25.10 ઇંચ વરસાદ વર્ષ 2018માં પડ્યો હતો. જેની સરખામણીમાં આ વખતે 28મી ઑગસ્ટ સુધીમાં જ સિઝનનો વરસાદ 100 ટકાથી વધી ગયો હતો. આ વખતે 30 સપ્ટેમ્બર સુધી 140 તાલુકામાં 40 ઇંચથી વધુ, 104 તાલુકામાં 20થી 40 ઇંચ જ્યારે 7 તાલુકામાં 10થી 20 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એકપણ તાલુકા નથી.

LEAVE A REPLY