ફાઇલ ફોટો (ANI Photo)

ગુજરાતમાં રવિવાર સવારથી (12 જૂન) સોમવાર સવાર સુધીમાં અમદાવાદ શહેર સહિત આશરે 91 તાલુકામાં વરસાદ થયો હતો. મહિસાગર, જુનાગઢ, અમરેલી અને દાહોલ જેવા 11 જિલ્લામાં 25મીમીથી 75મી સુધી વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લાના હળવદ, વાંકાનેર અને ટંકારા તાલુકામાં વરસાદના ઝાપટા પડ્યા હતા, એમ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટામાં જણાવાયું હતું.

મોરબી જિલ્લામાં સોમવારે ભારે વરસાદને પગલે મકાનની દિવાલ ધરાશાયી થવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. હળવદ તાલુકાના સુંદરીભવાની ગામમાં આ પરિવાર રાત્રે નિંદ્રામાં હતો ત્યારે મકાનની દિવાલ તૂટી પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં એક મહિલા, તેના પતિ અને પતિના ભાઇનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકોની ઉંમર 25થી 30 વર્ષની હતી. ગ્રામજનોને આ દુર્ઘટનાની પોલીસને માહિતી આપી હતી અને પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોરબી મોકલી આપ્યા હતા. બીજી એક દુર્ઘટનામાં મોરબી જિલ્લાના ઝિકિયારી ગામમાં વીજળી પડતા એક મહિલાનું મોત થયું હતું.

ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી બાદ અમદાવાદમાં 12 જૂનની રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડા પવનો ફુંકાવાની શરૂઆત થઇ ગઇ હતી. રાત્રે સવા નવેક વાગ્યે તો અચાનક જ વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એકાદ કલાક સુધી ધમાકેદાર વરસાદ પડતાં શહેરમાં ઠંકડ પ્રસરી ગઇ હતી. શહેરના લગભગ તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. છેલ્લા બે દિવસથી અમદાવાદનું વાતાવરણ વાદળછાયું બની ગયું હતું અને ઉકળાટ અનુભવાતો હતો. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરી દેવામા આવી હતી. રવિવારે સાંજથી વાતાવરણમાં ફેરફાર થવા લાગ્યા હતા. મોડી સાંજે ઠંડા પવનો ફુંકાવા લાગ્યા હતા અને રાત્રે વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે શહેરના શહેરના આશ્રમ રોડ, નવરંગપુરા, ગોતા, ગોદરેજ ગાર્ડન સિટી, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઈસનપુર, નારોલ, મણિનગર, રામોલ, હાથીજણ, ઓઢવ, રખિયાલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો.