હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી હતી. પરંતુ ચોમાસાની સીઝનનો દોઢ મહિનો વીતિ ગયો છે હોવા છતાં રાજ્યમાં હજુ જોઈએ પર્યાપ્ત વરસાદ પડ્યો નથી. જુલાઈના અંતમાં વરસાદ થવાના કારણે કૃષિ પાકને જીવનદાન મળ્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનાનું એક સપ્તાહ પૂરું થયું પણ સારા વરસાદની આશા નથી. ત્યારે 15 ઓગસ્ટ સુધીમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની આશા પણ નથી. આમ હજુ સુધી રાજ્યમાં 41 ટકા વરસાદની અછત છે. સિસ્ટમ સક્રિય થયા બાદ ગુજરાતમાં સારો વરસાદ થશે. જો કે, હજુ વરસાદ ન થતા લોકો અસહ્ય બફારા અને ગરમીથી હેરાન પરેશાન થઇ રહ્યાં છે.
જુલાઈમાં સામાન્ય કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં સારો વરસાદ નહીં થાય તો પાણીની તંગી પણ સર્જાશે. ઓછા વરસાદના કારણે ગુજરાતના જળાશયો પણ ભરાયા નથી. કૂવામાં પણ પાણીના સ્તર ઉપર આવ્યા નથી.
ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈમાં ગુજરાતમાં સરેરાશ 35.37 ટકા વરસાદ થયો છે. 2020 જુલાઈમાં 42.23 ટકા વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે 5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 36.06 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં 44.79 ટકા વરસાદ નોંધાયો હતો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદ ઓછો છે. વરસાદ ખેંચતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હજુ વરસાદ ખેંચશે તો મુશ્કેલી સર્જાશે. આંકડા પ્રમાણે વરસાદના ઘટની વાત કરીએ તો, રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં 57%, અરવલ્લીમાં 54%, સુરેન્દ્રનગરમાં 52%, તાપીમાં સરેરાશથી 49%, દાહોદમાં 48% વરસાદની ઘટ છે. 11 જિલ્લામાં તો વરસાદની 50%થી પણ વધારે ઘટ છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.