ભારત સરકારે અમેરિકન ફાર્મા કંપની જોન્સન એન્ડ જોન્સનને રસીના ઈમરજન્સી ઉપયોગ માટે શનિવારે મંજૂરી આપી છે. ભારતના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટર પર માહિતી આપી છે કે, હવે ભારત પાસે પાંચ કોરોના વેક્સીન ઉપલબ્ધ છે અને કોરોના સામેની લડાઈને તેના કારણે વેગ મળશે. અગાઉ જોન્સન એન્ડ જોન્સને જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના રસીના ઉપયોગ માટે અમે મંજૂરી માંગી છે અને ભારતમાં સિંગલ ડોઝની રસી માટે અમે કટિબદ્ધ છીએ. જોન્સન એન્ડ જોન્સન કંપનીના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, પાંચ ઓગસ્ટે કંપનીએ ભારત સરકાર સમક્ષ વેક્સીન ઉપયોગ માટે મંજૂરી માંગતી અરજી કરી હતી.
ભારતમાં અત્યારે કોવેક્સિન, કોવિશીલ્ડ અને રશિયાની સ્પૂતનિક-વીની મદદથી મોટાપાયે રસીકરણ અભિયાન થઇ રહ્યું છે. કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-વી, આ ત્રણેય ડબલ ડોઝ વેક્સિન છે. તેની મદદથી અત્યાર સુધી 50 કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યાં છે.
કંપનીએ દાવો કર્યો છે કે, એક ડોઝની આ રસી મહત્વની સાબિત થશે.આ માટે કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડ સાથે સહોય કરવામાં આવ્યો છે, જે અમને વેક્સીન સપ્લાય કરવા માટે મદદ કરશે.
દરમિયાન કંપનીએ ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ જાહેર કરતી વખતે દાવો કર્યો હતો કે, વેક્સીનનો એક ડોઝ 85 ટકા સુધી સુરક્ષા આપે છે.વેક્સીન લગાવનારા લોકોમાં 28 દિવસની અંદર મૃત્યુ દર ઓછો કરવા અને દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઓછી કરવા માટે સક્ષમ છે.