ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિદેશમાં ભારતીય મિશનોના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે શુક્રવારે સાંજે ચર્ચા કરી હતી. કેન્દ્રીય વાણિજ્ય અને વિદેશ પ્રધાન પણ આ ચર્ચામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચર્ચામાં વીસથી વધુ વિભાગોના સચિવો, રાજ્ય સરકારના અધિકારીઓ, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સના સભ્યો અને ચૅમ્બર ઑફ કૉમર્સના સભ્યો પણ સામેલ થયા હતા.
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ સમય આઝાદીના અમૃત મહોત્સવ માટેનો છે. આઝાદીનો 75મો મહોત્સવ ઉજવવાની સાથે આ ભાવિ ભારત માટે સ્પષ્ટ વિઝન અને રોડમેપનું નિર્માણ કરવાની તક છે. આમાં આપણી નિકાસ મહત્વાકાંક્ષાઓ અને તમામ હિતધારકો બહુ મોટી ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે આજે ભૌતિક, ટેકનોલોજિકલ અને નાણાકીય જોડાણના કારણે વિશ્વ રોજ નાનું થતું જાય છે. આવા વાતાવરણમાં, આપણી નિકાસના વિસ્તરણ માટે વિશ્વભરમાં નવી શક્યતાઓ સર્જાઈ રહી છે. આ પહેલ માટે તેમણે હિતધારકોની પ્રશંસા કરી હતી અને નિકાસ બાબતે આપણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા માટે એ તમામ હિતધારકો દ્વારા દર્શાવાયેલા ઉત્સાહ, આશાવાદ અને પ્રતિબદ્ધતાના વખાણ કર્યા હતા. તેમણે યાદ અપાવ્યું હતું કે ભૂતકાળમાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો સર્વોચ્ચ હિસ્સો હતો એનાં મુખ્ય કારણો તેનાં મજબૂત વેપાર અને નિકાસ હતાં. વૈશ્વિક અર્થતંત્રમાં આપણો જૂનો હિસ્સો પાછો મેળવવા માટે તેમણે આપણી નિકાસને મજબૂત કરવાની અગત્યતા પર ભાર મૂક્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે દેશ જ્યારે આત્મનિર્ભર ભારતના મિશન તરફ આગળ વધી રહ્યો છે ત્યારે એનાં લક્ષ્યાંકોમાંનું એક લક્ષ્ય નિકાસમાં ભારતનો હિસ્સો અનેક ગણો વધારવાનું છે. તેમણે કહ્યું કે આ હાંસલ કરવા માટે આપણે નિશ્ચિત કરવું પડશે કે આપણને વૈશ્વિક પુરવઠા સાંકળમાં પ્રવેશ મળે, જેથી આપણા ધંધા વ્યાપી અને વૃદ્ધિ પામી શકે. તેમણે ઉમેર્યું હતું કે આપણા ઉદ્યોગે પણ શ્રેષ્ઠ ટેકનોલોજી તરફ આગળ વધવું પડશે, નવીનીકરણ પર ધ્યાન આપવું પડશે અને સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી)માં હિસ્સો વધારવો પડશે. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક મૂલ્ય સાંકળમાં આપણો હિસ્સો આ માર્ગને અનુસરીને જ વધી શકશે. સ્પર્ધા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરતી વખતે આપણે દરેક ક્ષેત્રમાં વૈશ્વિક સર્વવિજેતા-ચૅમ્પિયન્સ તૈયાર કરવા પડશે એમ તેમણે ભાર મૂક્યો હતો.
નિકાસ વધારવા માટે વડાપ્રધાને ચાર પરિબળો ગણાવ્યા હતા જે બહુ અગત્યના છે. દેશમાં ઉત્પાદન અનેકગણું વધ્યું છે અને તે ગુણવત્તાત્મક રીતે સ્પર્ધાત્મક હોવું જોઇએ. બીજું, પરિવહન, લૉજિસ્ટિક્સની સમસ્યાઓ દૂર થવી જોઇએ અને એ માટે કેન્દ્ર, રાજ્યો અને ખાનગી હિતધારકોએ સતત કાર્ય કરતા રહેવું પડશે. ત્રીજું, સરકારે નિકાસકારો સાથે ખભાથી ખભા મેળવીને ચાલવું જોઇએ અને આખરી ચોથું ભારતીય વસ્તુઓ-પેદાશો માટે આંતરરાષ્ટ્રીય બજાર વિસ્તારવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ ચાર પરિબળોનો સુમેળ સધાય ત્યારે જ ભારત વિશ્વ માટે મેક ઈન ઈન્ડિયાનું લક્ષ્ય વધારે સારી રીતે હાંસલ કરી શકશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે, દેશમાં, રાજ્યોમાં સરકાર વેપાર વિશ્વની જરૂરિયાતોને સમજીને આગળ વધી રહી છે. એમએસએમઈને વેગ આપવા માટે તેમણે સરકારની વિવિધ પહેલની યાદી આપી હતી જેમ કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પાલનમાં ઘણી છૂટછાટો અપાઇ છે અને રૂ. 3 લાખ કરોડની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ. તેમણે એમ પણ નોંધ્યું હતું કે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના આપણા ઉત્પાદનના વ્યાપને વધારવામાં મદદ કરશે એટલું જ નહીં, પણ વૈશ્વિક ગુણવત્તા અને કાર્યદક્ષતાના સ્તરને પણ વધારશે. આ આત્મનિર્ભર ભારતની એક નવી જ ઈકોસિસ્ટમ વિક્સાવશે. ઉત્પાદન અને નિકાસમાં દેશને નવા વૈશ્વિક વિશ્વવિજેતાઓ મળશે. ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના (પીએલઆઇ સ્કીમ)થી મોબાઇલ ફોન ઉત્પાદન ક્ષેત્રને મજબૂત કરવામાં કેવી રીતે મદદ મળી એની પણ તેમણે વિસ્તૃત છણાવટ કરી હતી. મોબાઇલ ફોન ક્ષેત્ર, આપણે પણ એની અસર અનુભવી રહ્યા છીએ, 7 વર્ષ અગાઉ, આપણે આશરે 8 અબજ ડૉલર મૂલ્યનાં મોબાઇલ ફોનની આયાત કરતા હતા. આજે, એ ઘટીને 2 અબજ ડૉલર થઈ છે. ભારત માત્ર 0.3 અબજ ડૉલરના મોબાઇલ ફોનની નિકાસ કરતું હતું. આજે તે વધીને 3 અબજ ડૉલર કરતા વધારે થઈ છે.