રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા વધુ 137 વિદ્યાર્થીઓ શનિવારે પોતાના ગુજરાત પહોંચ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં યુક્રેનમાંથી પરત ફરેલા વિદ્યાર્થીઓનો કુલ આંક 752 થયો હતા. (ANI Photo)

રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા વધુ 137 વિદ્યાર્થીઓ શનિવારે પોતાના ગુજરાત પહોંચ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં યુક્રેનમાંથી પરત ફરેલા વિદ્યાર્થીઓનો કુલ આંક 752 થયો હતા. શુક્રવારે વિશેષ બચાવ ફ્લાઈટ દ્વારા વિદ્યાર્થીઓ ભારતની જમીન પર ઉતર્યા હતા. ત્યારબાદ તેમને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત લાવવામાં આવ્યા હતા. ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રશિયા દ્વારા લશ્કરી કાર્યવાહીને પગલે યુક્રેનમાં ગુજરાતના કુલ 2,500 વિદ્યાર્થીઓ અટવાયા હતા. ગુજરાત પરત ફરેલા 137 વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રધાને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આવકાર્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા યુક્રેન ગયા હતા. જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 752 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યા છે.

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે સરકાર ચિંતિત છે અને તેમને ભારત તથા ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 30થી 40 ટકા અર્થાત 16થી 17 હજાર ભારતીય વિદ્યાર્થીઓ વતન પરત ફરી ચૂક્યા છે. જે અત્યંત જોખમી યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં અટવાયા છે તેઓ હજી સુધી પરત ફરી શક્યા નથી. ફસાયેલા વિદ્યાર્થીઓને વતન પરત લવાશે તો તે ભારત સરકારની સૌથી મોટી સફળતા રહેશે તેમ વતન પરત ફરેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું.