સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રશિયા વિરુદ્ધના વધુ એક ઠરાવમાં ભારત મતદાનથી દૂર રહ્યું હતું. આ વખતે ભારતે યુએનની માનવ અધિકાર કાઉન્સિલના ઠરાવ વખતે મતદાન કર્યું ન હતું. આ ઠરાવમાં યુક્રેન પર રશિયાની લશ્કરી કાર્યવાહીને પગલે માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનની તપાસ માટે તાકીદે સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચની રચના કરવાની દરખાસ્ત હતી.

રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં માનવ અધિકાર કટોકટીની સ્થિતિ અંગેના ઠરાવ પર 47 સભ્યોની આ કાઉન્સિલમાં મતદાન થયું હતું. આ ઠરાવની તરફેણમાં 32 મત મળ્યા હતા, જ્યારે રશિયા અને ઇરિટ્રીયાએ વિરોધમાં મતદાન કર્યું હતું. ભારત, ચીન, પાકિસ્તાન, સુદાન અને વેનેઝુએલા સહિતના 13 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

આ ઠરાવની તરફેણમાં ફ્રાન્સ, જર્મની, જાપાન, નેપાળ, યુએઇ, યુકે અને અમેરિકાએ મતદાન કર્યું હતું. યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરતા આ ઠરાવમાં માનવ અધિકારોના કથિત ઉલ્લંઘન તથા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ઉલ્લંઘનની તપાસ માટે તાકીદે સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય પંચની સ્થાપના કરવાનો નિર્ણય કરાયો છે. આ પંચ રશિયાના હુમલાના સંદર્ભમાં સંબંધિત ગુનાઓની પણ તપાસ કરશે.

માનવ અધિકાર કાઉન્સિલે ઠરાવને બહાલી આપી તેના એક દિવસ પહેલા ભારતે જણાવ્યું હતું કે યુક્રેનની વણસતી જતી સ્થિતિ અંગે તે ચિંતિત છે. હિંસાનો તાકીદે અંત લાવવાનો અને યુદ્ધ ખતમ કરવાની અપીલ કરતા ભારતે જણાવ્યું હતું કે માત્ર મંત્રણા અને કૂટનીતિથી મતભેદો અને વિવાદોનો ઉકેલ લાવી શકાય છે.

માનવ અધિકાર કાઉન્સિલના પ્રેસિડન્ટ હવે એક વર્ષ માટે તપાસ કમિશનમાં ત્રણ માનવ અધિકાર નિષ્ણાતોની નિમણુક કરશે.

ભારતે અગાઉ પણ યુએનના વિવિધ ફોરમમાં ત્રણ વખત મતદાનમાં ભાગ લીધો ન હતો. યુએનની 15 સભ્યોની સિક્યોરિટી કાઉન્સિલમાં યુક્રેન અંગેના બે ઠરાવ તથા યુએનની 193 સભ્યોની જનરલ એસેમ્બલીના એક ઠરાવમાં પણ ભારતે મતદાન કર્યું ન હતું.