જાણીતા ફિલ્મકાર બી. આર. ચોપરાની અતિ લોકપ્રિય ટીવી શ્રેણી ‘મહાભારત’માં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલા અભિનેતા મુકેશ ખન્નાએ ગુજરાતી ફિલ્મમાં નસીબ અજમાવ્યું છે. તેમના દ્વારા અભિનિત ‘વિશ્વગુરુ’ ફિલ્મ તાજેતરમાં રીલીઝ થઇ હતી. ‘વિશ્વગુરુ બનવું છે…તો પહેલું યુદ્ધ – અંદરના અંધકાર સામે જીતવું પડશે!’ આ ટેગલાઇન સાથેની એક અલગ જ વિષયને રજૂ કરતી આ ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનારે એ કર્યું છે.
ફિલ્મના લેખક કિરીટ પટેલ અને અતુલ સોનારે છે. ફિલ્મના નિર્માતા સતિષ પટેલ છે અને સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. આ ફિલ્મમાં ગૌરવ પાસવાલા, ક્રિષ્ના ભારદ્વાજ, શ્રદ્ધા ડાંગર, સોનુ ચન્દ્રપાલ, રાજીવ મહેતા, ભાવિની જાની, ધર્મેશ વ્યાસ, હીના જયકીશન, અરવિંદ વૈદ્ય, કુરુષ દેબુ, સોનાલી લેલે દેસાઇ, ચેતન દૈયા, નિસર્ગ ત્રિવેદી, પ્રશાંત બારોટ, મકરંદ અન્નપૂર્ણા, પ્રશાંત બારોટ જેવા કલાકારો છે.
આ ફિલ્મની મુખ્ય કહાની ફિલ્મના શીર્ષક આધારિત ભારતના ‘વિશ્વગુરુ’ બનવા પર છે. ભારતની મહાનતા કે તેની ઓળખ તેના ચાર મુખ્ય આધારસ્તંભો જેવા કે – ધર્મ, શિક્ષણ, પરિવાર વ્યવસ્થા અને યુવાધન છે. જો ભારત ઉપર કોઈ બાહ્ય રીતે હુમલો કરે તો દેશનું સૈન્ય તેની સામે લડવા સક્ષમ છે. પણ આ ભારતના ચાર આંતરિક આધારસ્તંભને જો કોઈ વિદેશી કે પાશ્ચાત્ય સંસ્કૃતિને કરે તો દેશને બચવવો મુશ્કેલ બની જાય. આ ફિલ્મમાં એવું જ દર્શાવાયું છે કે, જ્યારે ભારત દેશના આ આંતરિક આધારસ્તંભોને કોઈ તોડવા ઇચ્છે તો તેની સામે લડવું કેવી રીતે? અને તેનો જવાબ આ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યો છે.
ફિલ્મની શરૂઆત થાય છે, ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા કશ્યપ ભારદ્વાજ (મુકેશ ખન્ના)થી. ફિલ્મની વાત મુખ્ય બે પાત્રોની આસપાસ ફરે છે, એક છે રોકી દલાલ એટલે કે ગૌરવ પાસવાલા અને રુદ્ર એટલે કે ક્રિષ્ના ભારદ્વાજ. રોકી દલાલ એ ખૂબ મોટા બિઝનેસમેન વિક્રમ દલાલ (ધર્મેશ વ્યાસ)નો પુત્ર છે અને પોતાના વિચારો દ્વારા તે બિઝનેસને આગળ લઈ જવા ઇચ્છે છે.
આ બિઝનેસને આગળ વધારવા માટે તે કંઇ પણ કરવા તૈયાર છે. તો બીજી તરફ છે રુદ્ર કે જે તેના પરિવાર-રાજીવ મહેતા અને ભાવિની જાની સાથે એક સાધારણ જીવન જીવે છે. ત્યારપછી બંનેના જીવનમાં એક એવો મોટો વળાંક આવે છે કે, તેમનું જીવન એકદમ પરિવર્તન પામે છે. હવે આ ફેરફાર તેમના જીવનમાં કેમ આવે છે? તેની પાછળના રહસ્યો શું છે, આવા તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. ‘વિશ્વગુરુ’નું શૂટિંગ સુરત, નાસિક અને દુબઈમાં થયું છે.
