રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સાઉથ બ્લોકમાં સ્થિત વડાપ્રધાન કાર્યાલય (PMO)ને આગામી મહિને થોડાક સો મીટર દૂર આવેલા એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં શિફ્ટ કરાશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ એક્ઝિક્યુટિવ એન્ક્લેવને PMO અને અન્ય ટોચના સરકારી કાર્યાલયો માટે તૈયાર કરવામાં આવ્યું છે. PMO ઉપરાંત, એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને એક કોન્ફરન્સિંગ સુવિધા છે. નવું PMO વડાપ્રધાન નિવાસસ્થાનની નજીક પણ છે.
જૂની ઓફિસમાં જગ્યાની અછતને કારણે નવી ઓફિસ ઇમારતોના નિર્માણની જરૂરિયાત ઊભી થઈ છે. જૂની ઇમારતોમાં આધુનિક સુવિધાઓ નહોતી. ભારત સરકારને ઉભરતી આર્થિક શક્તિ તરીકેની તેની છબી સાથે સુમેળ ખાતી હોય તેવી નવી ઇમારતોની જરૂર છે.
અગાઉ, ગૃહ મંત્રાલય અને કર્મચારી મંત્રાલયોને કર્તવ્ય ભવન-3માં ખસેડવામાં આવ્યા હતાં, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાને આ મહિને કર્યું હતું. ઇમારતનું ઉદ્ઘાટન કર્યા પછીના પોતાના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતનું વહીવટી તંત્ર બ્રિટિશ યુગ દરમિયાન બનેલી ઇમારતોમાંથી કાર્યરત હતું. તેમણે આ જૂની ઇમારતોમાં કામ કરવાની નબળી પરિસ્થિતિઓ વિશે વાત કરી હતી, જેમાં પૂરતી જગ્યા, લાઇટિંગ અને વેન્ટિલેશનનો અભાવ હતો.
અધિકારીઓનું કહેવું છે કે, કેન્દ્રના તમામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સના નામકરણના વલણને અનુરૂપ નવા પીએમઓનું નામ નવું હોઈ શકે છે. અહેવાલો અનુસાર, નવા પીએમઓનું નામ સેવાની ભાવનાને પ્રતિબિંબિત કરતું હશે.
