એનફિલ્ડ, લંડનમાં રહેતા 45 વર્ષના એવોર્ડ વિજેતા સેલિબ્રિટી શેફ અને કલીનરી કન્સલ્ટન્ટ ગુરપ્રીત બેઇન્સનું હૃદય અને કિડનીની તકલીફોને કારણે અવસાન થયું હતું.

શાકભાજી આધારિત સ્નેક્સ બાર ‘વેજ સ્નેક્સ’ના સહ-સ્થાપકને ગયા ગુરૂવારે (તા. 4)ના રોજ હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની કિડની પણ નિષ્ફળ ગઈ હતી અને આ અઠવાડિયાની શરૂઆતમાં તેમનું અવસાન થયું હતું.

તેમની મેનેજમેન્ટ એજન્સી પાલામેડીસ પીઆરએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, “ગુરપ્રીત બેઇન્સના દુ:ખદ નિધનથી અમે સંપૂર્ણ રીતે વ્યથિત છીએ. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સેલિંગ લેખક, ભારતીય સુપરફૂડ્સના અગ્રણી અને ‘વિશ્વના સૌથી આરોગ્યપ્રદ ભોજન’ના સર્જક અને સૌના નજીકના મિત્ર હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ છે.”

બેઇન્સ એન્ટીઑકિસડન્ટ-સમૃદ્ધ મસાલા અને પોષક-ગાઢ શાકભાજી, ફળો, ઓછી ચરબીવાળા પ્રોટીન અને બદામનું મિશ્રણ ધરાવતા ભોજનના હિમાયતી હતા. 2009માં પ્રથમ વખત “વિશ્વનું સૌથી આરોગ્યપ્રદ ભોજન” – બ્લુબેરી સાથે સાદી ચિકન કરી બનાવવાનો દાવો કરી આંતરરાષ્ટ્રીય સ્પોટલાઈટમાં આવેલા બેઇન્સની જુલાઈ 2010માં બ્લૂમ્સબરી દ્વારા પ્રકાશિત પ્રથમ રેસીપી બુક, ઈન્ડિયન સુપરફૂડ બેસ્ટ સેલર બની હતી. જૂન 2012માં, બેઇન્સની બીજી રેસીપી બુક ઈન્ડિયન સુપરસ્પાઈસીસ વર્ષની ટોચની 50 કુકબુકમાં સામેલ થઇ હતી.

તેમના મતે, ભારતીય રસોડું એ “આદર્શ પ્રયોગશાળા છે”. 2011માં ઈંગ્લીશ કરી એવોર્ડ્ઝમાં તેમને ‘શેફ ઓફ ધ યર’નો તાજ એનાયત થયો હતો. હોલીવુડ સ્ટાર ગ્વેનેથ પેલ્ટ્રો અને ડ્યુક અને ડચેસ ઓફ ગ્લોસ્ટર તેમના ચાહકો છે.