ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટલે મંગળવાર, 18મેએ ગાંધીનગરના મહાત્મા મંદિરથી ત્રણ દિવસની ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ લેન્ડમાર્ક હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્તુત કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. દેશમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

18થી 20 મે ત્રણ દિવસ દરમ્યાન યોજાનારી આ કોન્ફરન્સના પ્રારંભ અવસરે કેન્દ્રીય રાજ્ય પ્રધાન મિનાક્ષી લેખી, રાજ્ય સરકારના યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના પ્રધાન હર્ષ સંઘવી, ભૂટાન, ભારત, માલદીવ્સ અને શ્રીલંકાના ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટ તેમજ વિશ્વના 6 રાષ્ટ્રોના અને દેશના વિવિધ રાજ્યોના પૂરાતત્વવિદો, ઇતિહાસવિદો, જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ઇતિહાસ તથા પુરાતત્વ રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડનગરએ ત્રીજી અને ચોથી સદીથી સતત માનવ વસાહતોને સમાવતું સૌથી પ્રાચીન કિલ્લેબંધીવાળા નગરોમાંનું એક છે.વડનગર પોતે જ એક પુરાતત્વીય ખજાનો છે. સાતથી વધુ રાજવંશો માટે જાણીતું આ નગર તેના વારસા અને સંસ્કૃતિની કથાઓ, વિવિધ સ્મારકો, રચનાઓ અને કલાકૃતિઓના માધ્યમથી પુરાતત્વીય અને ઐતિહાસિક વિરાસત ક્ષેત્રે આગવી વિશેષતા ધરાવે છે. વડનગરના આ ભવ્ય ભૂતકાળ, મહત્વપૂર્ણ પુરાતત્વીય અને ઐતિહાસિક વારસાના સ્થળોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું આયોજન આ ત્રિ-દિવસીય કોન્ફરન્સથી સાકાર થશે.