નવી દિલ્હીમાં 29 જાન્યુઆરી 2021ના રોજ ઇઝરાયલ એમ્બેસીની નજીક થયેલા વિસ્ફોટની સ્થળની પોલીસ તપાસ કરી રહી છે. REUTERS/Danish Siddiqui

સેન્ટ્રલ દિલ્હીમાં શુક્રવારની સાંજે ઇઝરાયલની એમ્બેસીની બહાર બ્લાસ્ટ થયો હતો. જો બ્લાસ્ટમાં કોઇ જાનહાનીના અહેવાલ નથી. પોલીસે આ એરિયાને કોર્ડન કરી દીધો હતો. વિસ્ફોટને કારણે બેથી ત્રણ કારના કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે ત્રણ ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેરી લો ઇન્ટેસિટી ઇમ્પ્રુવાઇઝ્ડ ડિવાઇસને પગલે આ નાનો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટથી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો અને અબ્દુલ કલામ રોડ કોર્ડન કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે સિનિયર પોલીસ ઓફિસર્સ ઘસી આવ્યા હતા.

આ બ્લાસ્ટ વિજયચોકથી થોડા કિમી દૂર આવેલા વિસ્તારમાં થયો હતો. વિજય ચોકમાં બિટીંગ રિટ્રિટ સેરેમની માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા સંસદસભ્યો એકઠા થયા હતા.

ઇઝરાયલના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં ઇઝરાયલ એમ્બેસીની નજીક તાજેતરમાં એક વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં કોઇ જાનહાની થઈ નથી. બિલ્ડિંગને કોઇ નુકસાન થયું નથી. આ ઘટનાની ભારતના સત્તાવાળા તપાસ કરી રહ્યા છે. ભારત ઇઝરાયેલના સંબંધિત સત્તાવાળાના સંપર્કમાં છે.

2012માં નવી દિલ્હીમાં એમ્બેસીની નજીક બ્લાસ્ટથી ઇઝરાયના ડિપ્લોમેટની પત્ની, તેમના ડ્રાઇવર અને બીજા બે લોકોને ઇજા થઈ હતી.