સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચેની ક્રૂઝ સર્વિસિસનો 31 માર્ચે પ્રારંભ થયો હતો. (PTI Photo)

હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસે 2020થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે 6,49,165 મુસાફરો ઉપરાંત મોટી સંખ્યામાં માલસામાન અને વાહનોની પરિવહન કર્યું છે, રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. હજીરા અને ઘોઘા વચ્ચે દરરોજ 2,000 મુસાફરો, 280 પેસેન્જર વાહનો, 200 દ્વિચક્રી વાહનો અને 180 ટ્રકોને લઈ જવાની છે.

સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને દરિયાઈ માર્ગથી જોડતી રો-રો ફેરી સર્વિસે સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની અવરજવર ખૂબ સરળ અને સુગમ બનાવી છે. આ રોરો ફેરીને 9 નવેમ્બરે ત્રણ વર્ષ પુર્ણ થયા હતા. રો-રો સેવા દરરોજ બે રાઉન્ડ ટ્રીપ કરે છે. છેલ્લા ૩ વર્ષમાં, નવેમ્બર-૨૦૨૦થી શરૂ કરીને હજીરા-ઘોઘા રોરો ફેરી સર્વિસ દ્વારા કુલ ૬,૪૯,૧૬૫ મુસાફરો, ૯૩,૯૮૫ કાર, ૫૦,૨૨૯ દ્વિચક્રી વાહનો અને ૭૨,૮૩૩ ભારે માલવાહક વાહનોની હેરફેર કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ ૮ નવેમ્બર,૨૦૨૦એ સુરતના હજીરા પોર્ટથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-રો અને રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો હતો. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૯૦ કિમી છે જે દરિયાઈ માર્ગે ઘટીને માત્ર ૯૦ કિમી થઈ ગયું છે, પરિણામે ઈંધણની મોટી બચત થઈ છે.

સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. તેઓ વર્ષ દરમિયાન મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતન સાથે સતત કનેક્ટેડ રહે છે. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે, જે આ રો-રો સેવાને કારણે ઘટીને માત્ર ૪ કલાકની થઈ ગઈ છે, વળી, સૌરાષ્ટ્ર અને સુરતના મુસાફરો પોતાની સાથે બાઈક કે કાર પણ ગામડે લઈ જઈ શકે છે.

 

LEAVE A REPLY