દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ફરીથી ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું હતું. ત્યાં પૂર જેવી પરિસ્થિતિને કારણે લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં 11 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતના છોટાઉદેપુર પંથકમાં શુક્રવારે વહેલી સવારથી જ મૂશળધાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને પાવી જેતપુરની વસવા નદીમાં પૂર આવ્યું હતું. હવામાન વિભાગે આવનારા પાંચ દિવસમાં વરસાદની આગાહી કરીને એલર્ટ જાહેર કર્યું છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી તેમ જ મધ્ય ગુજરાતના મહિસાગર અને નર્મદા જિલ્લામાં 28 જુલાઈથી 1 ઓગસ્ટ સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી, ખેડા, અમદાવાદ અને આણંદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં શુક્રવારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 1 ઓગસ્ટ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, પંચમહાલ,વલસાડ, દાદરા નગર હવેલી, દમણ અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું હતું.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને કચ્છમાં 30 જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

twelve − eleven =