જળવાયુ પરિવર્તનને કારણે ભારતના વાતાવરણમાં તેની અસર જોવા મળી છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં તાપમાન ઘટી રહ્યું છે અને ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જ્યારે દક્ષિણના ત્રણ રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે.
આ તમિલનાડૂ, કેરળ, પુડુચેરી સહિતના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આથી કેટલાક શહેરોમાં સ્કૂલ અને કોલેજો બંધ કરવાની પણ ફરજ પડી છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આથી રાજ્યના તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. વિભાગે 26થી 29 નવેમ્બર દરમિયાન તમિલનાડૂ, પુડુચેરી અને કરાઇકલમાં ભારે વરસાદની આગાહી કરી હતી. તો બીજી તરફ કેરળમાં વિભાગે ઓરેંજ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું.
તો ઉત્તર ભારતના કાશ્મીરમાં તાપમાન માઇનસમાં પહોંચ્યું છે. શ્રીનગરમાં શુક્રવારે રાત્રે તાપમાન -1.5 સે. નોંધાયું છે. તો પહલગામમાં -3.3, ગુલમર્ગમાં -1.8 અને કુપવાડામાં -1.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. દક્ષિણ કાશ્મીરમાં સૌથી વધુ ઠંડી છે. જ્યારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ઘટવાના બદલે વધ્યું છે. શુક્રવારે દિલ્હીમાં કેટલીક જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ 406 પર પહોંચ્યો હતો. જે અતિ જોખમી શ્રેણીમાં આવે છે. અહીં એર ક્વોલિટી સુધારવા માટે વોટર સ્પ્રેયિંગ તો શરૂ જ છે.