દુનિયા ઘણા દેશોમાં કોરોના મહામારી નબળી પડી રહી છે ત્યારે સાઉથ આફ્રિકામાંથી ઉદભવેલા કોરોના વાઈરસના નવા વેરિઅન્ટે ફરીથી લોકોને ચિંતામાં મુક્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ વેરિઅન્ટ યુવાનોમાં ઝડપથી ફેલાય છે અને તે ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિઅન્ટથી પણ વધુ ખતરનાક હોવાનું કહેવાય છે. કોરોના મહામારી યુરોપમાં ફરીથી સક્રિય બની છે. યુરોપમાં કોરોનાના કેસ વધતા અનેક દેશોએ ફરીથી લોકડાઉન લાગુ કર્યા છે. ઓસ્ટ્રીયાની રાજધાની વિયેનામાં બાર બંધ છે જ્યારે જર્મનીના મ્યુનિચમાં ક્રિસમસનો માહોલ જોવા મળતો નથી.જોકે, બ્રિટનમાં સ્થિતિ થોડી સારી છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં ત્રણ વખત લોકડાઉન લાગુ કરાયા છે. બીજીબાજુ નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ઓસ્ટ્રિયા અને ચેક ગણરાજ્ય સહિત અનેક દેશોમાં કોરોનાના કેસ વધતાં હોસ્પિટલોમાં મુશ્કેલ પરિસ્થિતિઓ સર્જાઈ છે, જેથી આ દેશોએ ફરીથી લોકડાઉન અને પ્રતિબંધો લાગુ કર્યા છે.
આ નવા વેરિઅન્ટને બી.1.1.529 નામ અપાયું છે. આ વેરિઅન્ટ સતત બદલાતો રહેતો હોવાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે. આ વેરિઅન્ટે ૩૦ કરતાં વધુ વખત સ્વરૂપ બદલ્યું હોવાથી તે સૌથી જોખમી વાત છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ આ જ રીતે સ્વરૂપ બદલતા હોવાથી જીવલેણ સાબિત થયા હતા. વધુમાં આ વેરિઅન્ટ પર કોરોના વિરોધી વર્તમાન રસીઓ કેટલી અસરકારક છે અથવા નથી તે પણ વૈજ્ઞાાનિકો જાણી શક્યા નથી. આ અંગે હજુ અભ્યાસ થઈ રહ્યો છે.
આ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તાત્કાલિક બેઠક બોલાવી હતી અને સરકારોને નવેસરથી દિશા-નિર્દેશો જાહેર કરશે. આ વેરિઅન્ટ સામે લડવા સંસ્થાએ વધુમાં વધુ લોકોને રસી આપવા પર ભાર મૂક્યો છે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે આ વેરિઅન્ટમાં મલ્ટી મ્યુટેશન્સની તાકાત છે. કોરોનાની રસી આ વેરિઅન્ટ પર કેટલી અસરકારક છે તેનો અભ્યાસ થઈ રહ્યો છે. આ વેરિઅન્ટ કેટલી ઝડપથી ફેલાય છે અને તે કેટલો જોખમી છે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. આ વેરિઅન્ટ અંગે જે માહિતી સામે આવી છે તે માત્ર તેણે કેટલી વખત સ્વરૂપ બદલ્યું તેની છે.
આ વેરિઅન્ટ બોત્સવાના અને હોંગકોંગમાં પણ મળી આવ્યો છે. કોરોનાના આ વેરિઅન્ટથી બચવા માટે વિશ્વના અનેક દેશોએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ભારતે પણ રાજ્યોને પત્ર લખીને ઇન્ટરનેશનલ પ્રવાસીઓની સઘન તપાસ કરવા નિર્દેશ આપ્યા છે. ઉપરાંત બધા જ પ્રવાસીઓના રેપિડ ટેસ્ટિંગ પર વધુ ભાર મૂક્યો છે.
આ સ્થિતિમાં બ્રિટને છ આફ્રિકન દેશો સાઉથ આફ્રિકા, નામીબિયા, ઝિમ્બાબ્વે, બોત્સવાના, લેસોથો અને ઈસ્વાતિનીના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ દેશોમાંથી ફ્લાઈટ્સ હંગામી ધોરણે બંધ કરી છે. આ દેશોમાંથી બ્રિટન પહોંચનારા પ્રવાસીઓને સરકાર તરફથી અધિકૃત એક હોટેલમાં 10 દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે.
ઈઝરાયેલમાં મલાવીથી આવેલો એક પ્રવાસી પણ તેની ઝપેટમાં આવી ગયો હોવાનું જણાયું છે. ઈઝરાયેલમાં કોરોનાના નવા વેરિઅન્ટનો એક કેસ મળતાં તેણે પણ આફ્રિકન દેશોમાં પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે ઈઝરાયેલે ઈમર્જન્સી જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયાએ પણ પ્રવાસીઓની સઘન તપાસ કરવાના આદેશો આપ્યા છે. ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે નવા વેરિઅન્ટનું જોખમ વધશે તો તે આફ્રિકન દેશોમાંથી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી શકે છે.